Posts filed under ‘ચિંતન લેખ’

ધર્મ,અર્થ,કામ અને મોક્ષ.

ધર્મ,અર્થ,કામ અને મોક્ષ. આને આપણા શાસ્ત્રોમાં માનવ જીવની સફળતા માટે કરવા પડતા ચાર પુરુષાર્થ કહયાં છે. પરંતુ એનો અર્થ શું ?

મારી દ્રષ્ટિએ ધર્મ એટલે હિન્દુ, મુસ્લીમ કે ખ્રીસ્તિ નહીં પણ માનવતા,માણસાઇ

અર્થ એટલે કોઇ પ્રકારની સંપત્તિ નહીં પરંતુ જીવનનું ધ્યેય, જીવનનો હેતુ.

કામ એટલે આ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે કરવી પડતી મહેનત

અને મોક્ષ એટલે સિદ્ધિ કે સફળતા.

આ પ્રમાણે અર્થ ઘટન કરીએ તો એમ કહી શકાય કે જો આપણે આપણી માણસાઇ ભૂલ્યાં વગર આપણું ધ્યેય હાંસલ કરવા પાકી જહેમત ઉઠાવીએ તો જરુર જીવન સફળ થાય. ખરી વાત કે નહીં ?

સપ્ટેમ્બર 4, 2008 at 10:00 પી એમ(pm) 1 comment

અજ્ઞાન નહીં પણ અવજ્ઞા

અજ્ઞાન નહીં પણ અવજ્ઞા આપણા શાસ્ત્રો,આપણા શાસ્ત્રિઓ અને આપણા તત્ત્વ ચિંતકો કહેતા આવ્યા છે અને હજી પણ કહેતા રહે છે કે દરેક વ્યકિતમાં રહેલા અહંકારનું કારણ છે અજ્ઞાન. આ અજ્ઞાનને દૂર કરો તો જ બ્રહ્મતત્ત્વની અનુભૂતિ થાય.પણ એને દૂર કરતાં પહેલા જાણવું તો જોઇએને કે અજ્ઞાન એટલે શું? મારી સમજ પ્રમાણે, જેમ પ્રકાશનો અભાવ એટલે અંધકાર કહેવાય અથવા ગરમીનો અભાવ એટલે ઠંડી કહેવાય તેમ જ જ્ઞાનના અભાવને અજ્ઞાન કહી શકાય. પરંતુ આ જ વાત ઉલટ રીતે કહીએ અર્થાત અંધકારના અભાવને પ્રકાશ કહીએ કે ઠંડીના અભાવને ગરમી કહીએ અથવા અજ્ઞાનના અભાવને જ્ઞાન કહીએ તો તે સાચું ન ગણાય. કારણ પ્રકાશ,ગરમી અને જ્ઞાન એ શકિતના રૂપ છે જયારે અંધકાર,ઠંડી અને અજ્ઞાન આપણા મનને થતી ભ્રમણા કે અભાસ છે.શકિતથી આભાસ દૂર કરી શકાય આભાસથી શકિત દૂર ન કરી શકાય. પ્રકાશ,ગરમી અને જ્ઞાન આ ત્રણે શકિતના રૂપ તો છે પરંતુ જ્ઞાન શકિત આ બીજી બે શકિતઓની જેમ સરળતાથી મેળવી કે ઉત્પન્ન કરી શકાતી નથી. કારણ જ્ઞાન શકિત મેળવવાના બે સાધન ‘મન અને બુદ્ધિ’ ઉપર કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ છે. અને આ મુશ્કેલીનું મુખ્ય કારણ અજ્ઞાન નહી પણ અવજ્ઞા છે. અવજ્ઞા એટલે આપણા મનને જાણે અજાણે (વિહીતં અવિહીતં વા) ઘેરી લેતી ટાળવાની ઍટલે કે ધ્યાનમાં નહી લેવાની મનોવૃત્તિ.જેમ કે કોઇએ મારી અવજ્ઞા કરી હોય તો ભાવિમાં હું જાણી જોઇને તેની અવજ્ઞા કરૂં એમ બને.અથવા કદીક એવું પણ બને કે મારૂં મન કોઇ વિચારમાં ગરકાવ થઇ ગયું હોય તો મારી નજીકથી પસાર થઈ રહેલ કોઇ ઓળખીતી વ્યકિત પણ મારા ધ્યાનમાં ન આવે અને એને કદાચ એમ લાગે કે હું તેની અવજ્ઞા કરી રહયો છું હવે વળી પાછા બ્રહ્મતત્ત્વ વિશે વિચારીએ.આ બ્રહ્મતત્ત્વનું બીજું નામ છે સત – ચિત્ત – આનંદ. સત એટલે નર્યું અસ્તિત્ત્વ, ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે નિર્વિકલ્પ શાંતિ. આપણે સહુ બ્રહ્મતત્ત્વને સર્વવ્યાપી માનીયે છીએ તો એનો અર્થ તો એ થયોને કે ચિત્ત,જ્ઞાન અને શાંતિ પણ સર્વવ્યાપી છે. વળી આપણે સહુ જાણીએ છીએ કે જેમ પ્રકાશ અને અંધકાર કદી એક સાથે એક જ સ્થાને ન રહી શકે તેમ જ જ્ઞાન અને અજ્ઞાન પણકદી એક સાથે એક જ સ્થાને ન રહી શકે. હવે જો જ્ઞાન સર્વવ્યાપી હોય તો કહો અજ્ઞાન કયાં જઇને રહે ?. આ ઉપરથી તો એમ કહેવાય કે અજ્ઞાનનું અસ્તિત્વ તો બીલકુલ અશક્ય છે. તો પછી અહંનું કારણ શું ? હું તો એમ માનું છું કે અહંનું કારણ અવજ્ઞા જ હોઇ શકે.આપણે સહુ જાણે અજાણે જ બેધ્યાન થઇ જઈએ છીએ. આપણું ભટકતું મન કશે સ્થિર થઇને બેસી શકતું નથી. અને આપણે પણ તેની આ વૃત્તિથી કંટાળી તેનેે સ્થિર કરવાનો પુરુષાર્થ પડતો મૂકી તેને ભટકવા દઇએ છીએ. તેની આ વૃત્તિની અવજ્ઞા કરીએ છીએ. આ ભટકતા મન ઉપર જો કાબુ મેળવવો હોય તો સૌથી પહેલા આપણે મકકમ નિર્ધાર કરવો જ પડે. આ નિર્ધારને પતંજલીએ ‘ધારણા’નું નામ આપ્યું. પરંતુ કેવળ નિર્ધારથી કામ નથી થતું ભૂલેચૂકે પણ એ નિર્ધારની અવજ્ઞા ન થઇ જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. અને તે માટે મનને કોઇ એક વિષય ઉપર સ્થિર કરવું પડે છે. આને પતંજલીએ ‘ધ્યાન’ કહયું. ધ્યાન કેવળ બ્રહ્માનુભૂતિ માટે જ નથી પણ જીવનના કોઇ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખૂબ જરૂરી છે. જયારે મન ધારેલા વિષય ઉપર સ્થિર થઇ જાય છે ત્યારે તે વિષયમાં તે આપો આપ લય થઇ જાય છે. આને જ પતંજલી ‘સમાધિ’ કહે છે. અને આવા સમાધિષ્ઠ મનમાંથી જ સત્યના નાના નાના સૂત્રો સરી પડે છે. જેવા કે
પ્રજ્ઞાનં બ્રહ્મ——ઋગવેદ તત્ત્વંઅસિ—-સામવેદ
અયં આત્મા બ્રહ્મ —-અથર્વ વેદ અહં બ્રહ્માસ્મિ —-યજુર્વેદ
f = ma —— Newton E = mc2 —– Einstein આવી ધ્યાનાવસ્થામાં માનવ મુખમાંથી નીકળતા આવા ઉદ્ગારો ને જ પશ્યન્તિ વાણી કહેવા છે.
ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યનિત યં યોગીનઈ ઇતિ.

માર્ચ 4, 2008 at 10:08 પી એમ(pm) Leave a comment

અપેક્ષા અને ઉપેક્ષા

અપેક્ષા એટલે આશા કે ઇચ્છા અને ઉપેક્ષા ટલે અનાદર કે અવગણના. બેઉના આવા અર્થમાં જરાએ સામ્યતા નથી છતાં આ બેઉ વચ્ચે મા દિકરી જેવો ખૂબ ઘાડો સંબંધ છે. આશા અંગે શ્રી કલાપીએ લખ્યું છે કે

” આશા એ તો મધુર કડવો અંશ છે જીદગીનો
છેદાયે ના જીવીત લગી એ છેદતાં જીવ જાતો.”

કારણ અપેક્ષા હંમેશા પોતાનું મુખ ભાવિ તરફ રાખે છે. અર્થાત આ ઇચ્છા કે આશાને સહારે જ આપણે આપણું ભાવિ ઘડતાં રહીએ છીએ.આને જ જિજીવિષા કહેવાય છે. જેના મનમાં જિજીવિષા ન રહે તેના જીવનનો અંત આવી જાય છે. એનો અર્થ એ થયો કે જો જીવન જીવવું હોય તો મનામાં ઓછામાં ઓછી એક ઇચ્છા તો હોવી જ જોઇએ. પરંતુ ઇચ્છા રાખવામાં એક મોટો વાંધો એ છે કે આઅપેક્ષાનું ફળ ભાવિમાં સુખ લાવશેે કે દુઃખ તે જાણી શકાતું નથી.અને જો સુખ મળે તો મન એવા સુખનો ફરી અનુભવ કરવા વધુ લલચાય છે અને દુઃખ મળતાં આંસુ સારવાનો વખત આવે છે.

જો હોયે ઇચ્છા મન મહીં તો તે ફળે કે નિષ્ફળ થાય ન ફળતાં દુઃખ ઉપજે ’ને ફળે તો મન ફરી લલચાય પરંતુ જો ન હોયે ઇચ્છા એક પણ તો જીવન કદી જીવાય તો તેનો ઉપાય શું?

તો ઇચ્છા એક જ રાખવી કે હરિ ઇચછાથી બધું થાય. આવી વૃત્તિથી કરેલા કામને જ નિષ્કામ કર્મ કહેવાય છે.અપેક્ષાથી ઉપસ્થિત મનની દ્વિધાનું આ એક જ મારણ છે. ઇશાવાસ્ય ઉપનિષદના પહેલા બે શ્લોકમાં આ જ વાત સમજાવી છે એમ હું માનું છું. ઉપેક્ષા પોતાની નજર ભૂત અને ભાવિ બેઉ તરફ રાખી શકે છે. કવાની મતલબ એ છે કે ભૂતકાળમાં કોઇએ આપણી ઉપેક્ષા કરી હોય તો તે આપણાથી ભૂલાતી નથી અને ભાવિમાં જો તક મળે તો બદલો લેવાનું ચૂકતા નથી.અને જો આપણે કોઇની અપેક્ષા કરી હોય તો તે પણ મળેલી તક ચુકતો નથી.

 ઉપેક્ષાથી બચવાના બે સરળ ઉપાય છે એક સહકાર અને બીજો સંયમ. જયારે કોઇ આપણી સહાયની અપેક્ષા રાખે ત્યારે બનતી મદદ કરવી અને જયારે કોઇ તેનાથી બનતી મદદ ન કરે ત્યારે સંયમ રાખી તે વાત ભૂલી જવી. છતાં કોઇ વાર એવું બને કે વિના કારણ આપણી ઉપેક્ષા થાય. આવું થવાનું કારણ શું છે તે કાકા સાહેબ કાલેલકરે એક જ વાકયમાં સરસ રીતે સમજાવ્યું છે.
“જો હું મારું માન બીજાના હાથમાં સોંપુ તો જ તે મારું અપમાન કરી શકે ને?”

આ માન સોંપવું એટલે કોઇની પાસેથી કશું મેળવવાની અપેક્ષા રાખવી.અને જો એનું પરિણામ આપણી અપેક્ષાથી વિરુદ્ધ આવે તો આપણી ઉપેક્ષા થઇ એવું લાગે. અપેક્ષા હોય તો જ ઉપેક્ષા થાય ને ? અર્થાત ઉપેક્ષાનો જન્મ અપેક્ષામાંથી જ થાય છે. જો અપેક્ષા ન હોય તો ઉપેક્ષા કયાંથી ? મા ન જન્મી હોય તો દિકરી કયાંથી ? જીવનમાંથી અપેક્ષાઓ ઓછી કરવી હોય તો સ્વાવલંબી થતાં શીખવું જોઇએ. હું જેટલો સ્વાવલંબી અને સ્વતંત્ર રહું તેટલો બીજાના સહકારની આશાથી મુકત રહી શકું.અને તો જ મારી ઉપેક્ષા થવાનો સંભવ ઘટતો જાય.

જીવન જેટલું સ્વાવલંબી અને સ્વતંત્ર બને તેટલું તે સુખી અને આનંદમય બને. વળી જીવનની જરુરીયાતો જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ સ્વતંત્રતા વધતી જાય તેમાં મને જરાયે શંકા નથી.

ફેબ્રુવારી 15, 2008 at 12:44 પી એમ(pm) 1 comment

સ્મરણ અને વિસ્મરણ

સ્મરણ એટલે યાદ કરવું અને વિસ્મરણ એટલે ભૂલી જવું. આ બેમાં સારું શું ? મોટા ભાગના લોકો સ્મરણની પસંદગી કરશે એમાં મને જરાયે શંકા નથી. પરંતુ આ અંગે વિચાર કરતાં મને મનમાં પ્રશ્ન થયો કે વિસ્મરણ સિવાય સ્મરણ થઇ શકે ખરું. આ બે શબ્દોનો જરા જુદી દ્રષ્ટિથી વિચાર કરતાં મને સમજાયું કે સ્મરણ તો ત્યારે જ થાય કે જયારે મન જે વિષયનું સ્મરણ કરવા ઇચ્છતું હોય તે વિષયમાં એકાગ્ર થાય.અને તે માટે મનમાં ભમતા બીજા બધા વિષયોનું વિસ્મરણ થાય. આ ઘણું જરૂરી છે.

મારી દ્રષ્ટિએ વિસ્મરણનો અર્થ છે વિ(શિષ્ટ્)સ્મરણ. કારણ એની વિશિષ્ટતા એ છે કે તેનાથી કોઇ એક વિષય સિવાયના બીજા બધા વિષયોના વિચારને મનમાંથી દૂર કરી શકાય છે. મારી દ્રષ્ટિએ વિસ્મરણ એટલે ધ્યાનાવસ્થા. છતાં આપણે સહુ બને તેટલા વિષયો સ્મરણમાં રાખવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલું જ નહીં પણ ભાવિમાં તે ભૂલાઈ જવાના ડરથી તે બધું કાગળ કે કોપ્યુટર ઉપર સાચવી રાખીએ છીએ અને તેથી જે ભૂલવા જેવું છે તે પણ યાદ કરી કરીને દુઃખી થઇએ છીએ. જો દુઃખી ના થવું હોય તો વિસ્મરણ કરવાની ‘ધ્યાનાવસ્થ’ થવાની કળા શીખવા જેવી છે. જે શીખવી ખૂબ અઘરી છે.

કદાચ કોઇ એવી દલીલ કરે કે દવા દારૂના નશાથી વિસ્મરણ આસાનીથી થઇ શકે છે. હા જરૂર પણ તેને વિસ્મરણ કહેવા કરતાં અસ્મરણ કહેવું વધુ યોગ્ય ગણાય કારણકે આવા નશાથી કેવળ બેભાનાવસ્થા જ પ્રાપ્ત થાય.ધ્યાનાવસ્થા નહીં.અને આવી સ્થિતિમાં જેનું સ્મરણ કરવા ઇચ્છતા હોઇએ તે પણ ભૂલાઇ જાય. જોકે ‘અસ્મરણ’ જેવો કોઇ શબ્દ ગુજરાતી ભાષામાં નથી છતાં ‘જ્ઞાન,અજ્ઞાન અને વિજ્ઞાન’ કે ‘કર્મ,અકર્મ અને વિકર્મ’ જેમ સ્મરણ અસ્મરણ અને વિસ્મરણ કહેવામાં શું વાંધો છે.

વિસ્મરણની આ કળા કેવી રીતે શીખવી તે સમજાવવા પતંજલિ ઋષિએ પાતંજલ યોગસૂત્રની રચના કરી છે. જેમાં આ કળા હસ્તગત કરવા માટેના આઠ અંગોની ચર્ચા કરી છે.જેને અષ્ટાંગ યોગ પણ કહેવાય છે.

 આ યોગસૂત્રના સૌથી પહેલા સૂત્રમાં જ એમણે કહયું છે કે ” યોગ ચિત્તવૃત્તિ નિરોધ” ભટકતી ચિત્તવૃત્તિ ને રોકવી એટલે યોગ આ આઠ અંગો નીચે પ્રમાણે છે. યમ ,નિયમ,આસન,પ્રાણાયમ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ.આમાના પહેલા પાંચ અંગ બહિરંગી ગણાય છે કારણ કે તે આપણા બહારના જગત સથેના આપણા સામાજિક વ્યવહારના ઘડતર માટે છે. અને છેલ્લા ત્રણ અંતરંગી છે એટલે કે આપણા આંતરિક જીવના ઘડતર માટે છે. આ દરેક અંગોના ઉપાંગો વિશેની સમજ પતંજલિ ઋષિએ આપી છે. જેનો ઉલ્લેખ અહીં કરૂં છું. યમના ઉપાંગો “અહિંસા, સત્ય, અસ્તેય, બહ્મચર્ય, અને અપરિગ્રહ” નિયમના ઉપાંગો “શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય,અને ઇશ્વર પ્રણિધાન” આસનના ઉપાંગો “ધૌતિ, બસ્તિ, નેતિ, ત્રાટક, નૌલી અને કપાલ ભાતિ” આને ષટકર્મો પણ કહેવાય છે.

પ્રાણાયમ એટલે શ્વાસોછ્શ્વાસનું નિયમન ધારણા એટલે અમુક વસ્તુ કરવાનો નિર્ધાર ધ્યાન એટલે વિશિષ્ટ સ્મરણ, એકાગ્રતા, સમાધિ એટલે સમ=એક સરખી અને આધિ= સ્થિતિ અર્થાત મનનું ઇચ્છીત વિષયમાં લય પામવું સ્મરણ વિસ્મરણ વચ્ચેની મારી સમજ વ્યકત કરવા પુરતો જ આ લખાણનો ઉદ્દેશ હતો એટલે અહીં રોકાઇ જાવું જ વ્યાજબી સમજું છું. ઇતિ.

ફેબ્રુવારી 14, 2008 at 2:42 એ એમ (am) 1 comment

“અહં વિશે”

અહં વિશે અહં એટલે શું? અને જીવન જીવવામાં એની જરૂર ખરી? એનો સદંતર નાશ થઇ શકે ખરો ? આવા પ્રશ્નો સાધરણ રીતે સહુને સતાવતાં જ હોય છે. તો એ અંગે વિચાર કરતાં મારા મનને જે ઉત્તર મળ્યા તે અહીં રજુ કરું છું.એની યોગ્યાનુયોગ્યતા વિશે આપ સહુ પ્રતિભાવ પાડશો એવી આશા રાખું છું. અહં એટલે હું બ્રહ્મ્થી અને અન્ય વ્યકિતઓથી અલગ છું એવો મનોભાવ એટલે કે દ્વૈતભાવ.અથવા કહો કે મનનો ભરમ. અને મનમાં રહેલા આ ભરમના ત્રણ પ્રકાર હોય છે.જેવી જેની વૃત્તિ તેવો તેના મનનો ભરમ ગીતામાં શ્રી કૃષ્ણએ કહયું કે ” ત્રૈગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન” એટલે કે આપણે આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિઓ વડે જે જે વિષયો જાણીએ છીએ અને માણીએ છીએ તે બધા ત્રણ ગુણવાળા (સાત્વિક, રાજસિક,અને તામસિક) અર્થાત ત્રણ પ્રકારના (ઉત્તમ,મધ્યમ અને અધમ) હોય છે. આપણો અહં પણ આપણા મનનો વિષય છે એટલે તેના પણ ત્રણ પ્રકાર હોવા જ જોઇએ. તો અહં ક યા પ્રકારનો છે તે શી રીતે નકકી કરાય? સાત્વિક કે ઉત્તમ પ્રકાર સાત્વિક વ્યકિતઓના મનમાં પણ આવો ભાવ કે ભરમ હોય છે તો ખરો પરંતુ તેઓ એટલું સમજતાં હોય છે કે અન્ય વ્યકિતઓ પણ આવા જ ભરમમાં હોય છે.અને તેથી તે બધાની સાથે સમભાવ રાખી જુએ છે અને જે શકિતને કારણે હરેક વ્યકિતના મનમાં આવો ભાવ ,આવો ભરમ,ઉત્પન્ન થાય છે તે શકિતને શોધવાનો કે જાણવાનો પ્રયાસ કરતાં રહે છે.સમભાવ રાખવાથી આપણા મનમાં ઉત્પન્ન થતો વ્યકિત વ્યકિત વચ્ચેનો ભેદ દૂર કરવામાં ઘણી સરળતા થઇ જાય છે. અને તેથી મનને અંતરમુખ કે ઇશ્વરાભિમુખ કરવાનું પણ સરળ થઇ જાય છે.મને લાગે છે કે આ વાત ગીતાના દસમા અધ્યાયમાં ( વિભૂતિ યોગમાં) સારી રીતે સમજાવવામાં આવી છે. આ અધ્યાય વાંચીએ તો કદાચ એમ લાગે કે શું શ્રી કૃષ્ણને પોતાની જાતનું આટલું બધું અભિમાન હતું કે જેથી તે અર્જુન સમક્ષ “હું જ સામવેદ છું, હું જ શંકર છું, હું જ મહર્ષી છું, હું જ બધાને દંડ દેનાર છું ’’આવી આવી બડાશો હાંકે છે. ના જરાય નહી.ં પણ વાત્સવમાં એ એમ કહેવા માંગે છે કે હું તો જડ અને ચેતન બધાને સમભાવે જોઉં છું. અને તેથી જ કહી શકું છું કે “અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે અર્થાત અહં બ્રહ્માસ્મિ એવો મનોભાવ હું જાણી અને માણી શકું છું.” તેથી તો શ્રી કૃષ્ણને યોગેશ્વરનું બીરૂદ મળ્યું છે. સમભાવમાંથી જ એકાત્મભાવ તરફ જઇ શકાય છે. લાખો કરોડોની વસ્તિમાંથી ,રામકૃષ્ણ પરંહંસ ,કે રમણ મહર્ષી કે શંકરાચાર્ય જેવી એક બે વ્યકિતઓ કદી કદી આવી સ્થિતિએ પહોંચી શકે છે.અને એ સ્થિતિએ પહોંચતાં જ તેમનો અહં આપોઆપ નષ્ટ થઇ જાય છે. અહીં એટલું યાદ રાખવું જરુરી છે કે અહંનો નાશ થવાથી દેહનો નાશ નથી થતો કારણ અહં એ મનનો વિષય છે દેહનો નહીં. રાજસિક કે મધ્યમ પ્રકાર રાજસિક લોકો સંપૂર્ણ પણે સમભાવ નથી કેળવી શકતા. તેમના મનમાં કઇક અંશે અમુક વ્યકિત કે વસ્તુનો મોહ હોય છે અને તેથી પક્ષપાત વૃત્તિ રાખે છે. અર્જુનને આવા મધ્યમ પ્રકારનું સાચું પ્રતીક કહી શકાય.આ પ્રકારનો અહં યા તો ઉત્તમ પ્રકાર તરફ અથવા તો અધમ પ્રકાર તરફ ઘસડી જાય છે. જેનામાં પોતાનું સ્વમાન સાચવવાની શકિત હોય તે જ ઉત્તમ પ્રકાર તરફ જઇ શકે. સ્વમાન એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ એ પરિસ્થિતિનો સામનો કરી સાચે માર્ગે આગળ બઢવાની શક્તિ. જો આવી શક્તિ ન હોય તો હતાશા સીવાય બીજો માર્ગ મળતો નથી.અર્જુનને વિષાદ થવાનું કારણ આજ હતું ને? તેથી તો શ્રી કૃષ્ણએ તેને ટોંણો મારી કહયું કે ” આમ અણીને સમયે તું બાયલાની જેમ રણ મેદાન છોડી દેેશે તો લોકો તારી નીંદા કર્યા વગર નહી રહે. માટે તારું સ્વમાન સાચવવા ઉભો થા અને યુદ્ધ કર”. જેને સાંસારિક જીવનમાં રસ હોય તેને માટે મધ્યમ પ્રકારનો અહં ઘણો જરુરી છે. તામસિક કે અધમ પ્રકાર આ પ્રકારના અહંનુ બીજુ નામ છે અભિમાન,કે દર્પ કે ઘમંડ. અભિમાની અને ઘમંડી માણસો પોતાની અગત્ય બતાવવા બીજાઓનું અપમાન કરવામાં કે ઉતારી પાડવામાં જરાયે વિલંબ નથી કરતાં.આવા માણસોમાં ખૂદ પોતાના કૌવતથી આગળ આવવાની શક્તિ નથી હોતી તેથી બીજાઓને ધકકા મારી પાછળ રાખવાનો પ્રયત્ન કરે છે. પણ અંતે તો એમને જ સહન કરવું પડે છે. કોઇ પણ વસ્તુ કે જે અધમ પ્રકારની હોય તેની જીવનમાં શું જરુર ! માટે આવી વૃત્તિ ત્યજવી જ જોઇએ. અને તે મનની મકકમતાથી ત્યજી શકાય છે. આ પ્રકારનું પ્રતીક છે દુર્યોધન. જે વ્યકિત અધમથી મધ્યમ અને મધ્યમથી ઉત્તમ તરફ જવાનો પ્રયત્ન કરે છે તેની જ પ્રગતી થાય છે. ટૂકમાં એટલું જ કે જે વસ્તુ કે વિચાર જીવનમાં નડતર રુપ હોય તેનો નાશ કરવો અને જે જીવન ઘડતરમાં સહાયક હોય તેનો સ્વિકાર કરવો. આને જ વિવેક બુદ્ધિ કહેવાય ને? ઇતિ.

જાન્યુઆરી 15, 2008 at 10:41 પી એમ(pm) 1 comment

“પૂનર્જન્મ– “અહંની યાત્રા”

jump to navigation

“પૂનર્જન્મ– “અહંની યાત્રા” December 19, 2007

Posted by girishdesai in : ચિંતન લેખadd a comment , edit post

પૂનર્જન્મ
“અહંની યાત્રા”

પ્રાણી માત્ર પોતાના જીવન દરમ્યાન સુખ અને સગવડની ઇચ્છા રાખે છે. પરંતુ મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેનું અંતર કેવળ સુખ સગવડ ઉપરાંત પોતાના મૃત્યુ બાદ જન્મ મૃત્યુના ફેરામાંથી મુકત થવાની, યા તો કાયમ માટે સ્વર્ગ સુખની એષણા રાખે છે. અને આ ઇચ્છા તેને એક યા બીજા ધર્મ તરફ ઘસડી જાય છે, કારણ દરેક ધર્મ પોતાની બાંગ પોકારીને કહેતો હોય છે કે તમારી એ ઇચ્છા પરિપૂર્ણ કરવાનો ઇલાજ અમારી પાસે છે. બધા જ ધર્મો કહેતા હોય છે કે પ્રામાણિકતા અને સદાચારથી તમે તમારું ધ્યેય હાંસલ કરી શકશો. હિન્દુઓનો કર્મનો સિદ્ધાંત પણ આ જ વાતને અનુમોદન આપે છે. પરંતુ આ સિદ્ધાંત એટલેથી જ નથી અટકતો. આ સિદ્ધાંત તો એમ સુચવે છે કે કેવળ પ્રામાણિકતા અને સદાચાર એ તમને ધ્યેય તરફ લઇ તો જશે પરંતુ ધ્યેય નજીક આવતાં જ સમજાશે કે ત્યાં પહોંચતા પહેલાં હજી એક અતી દુષ્કર ખાડી ઓળંગવાની બાકી છે,જે કેવળ પ્રામાણિકતા અને સદ્દ્વર્તનને સહારે ઓળંગી શાકાતી નથી. આ ખાડીનું નામ છે ‘અહંકાર’. અહંકાર એટલે માલિકીનો દાવો. જો હું કોઇ વસ્તુ ઉપર મારી માલિકીની છાપ મારૂં તો એમાંથી ઉભી થતી સુખ દુઃખની બધી ઉપાધિ મારે જ ભોગવવી પડે ને ? અને ઇશ્વર કરતાં વધુ ન્યાયી બીજું કોણ હોઇ શકે ! તે આપણને માલિકી ભાવથી કરેલા કર્મનું ફળ જરૂર આપે છે, વળી સાથે સાથે એ ફળ સારી રીતે ભોગવી શકાય તેવો યથાયોગ્ય દેહ પણ આપતો રહે છે. આને જ હિન્દુઓ પૂનર્જન્મ કહે છે.અને આમ આ અહંકાર આપણને જન્મ મૃત્યુના ફેરામાં ફસાવે છે. જો આપણે આ ફેરામાંથી છુટવું હોય તો આપણે આપણા કોઇ પણ કર્મ ઉપર માલિકી ભાવનો દાવો કરવો નહીં. આ દાવા વગર કરેલું કર્મ એટલે જ નિષ્કામ કર્મ.પરંતુ આવી ઘટના બને છે કે નહીં તેનો કોઇ પુરાવો મળતો નથી.આ તો કેવળ માન્યતા છે.(જે વસ્તુનો પુરાવો ન હોય તેને જબરજસ્તી મનમાં ઠસાવી દઇએ એ માન્યતા)હિન્દુ, બુદ્ધ અને જૈન ધર્મોને આ માન્યતા સ્વિકાર્ય છે.પરંતુ ખ્રિસ્તી,યહુદી અને ઇસ્લામ ધર્મોને તે સ્વિકાર્ય નથી.પરંતુ આ પાશ્ચાત્ય ધર્મોમાં પણ સ્વર્ગ અને નરકની માન્યતા તો છે જ. તેઓ માને છે કે મૃત્યુ બાદ મૃતાત્મા “પરગેટોરી” નામના કોઇ સ્થળમાં નિવાસ કરે છે અને એક એવો મુકરર દિવસ આવે છે કે જયારે ઇશ્વર આ સ્થળે આવી આ આત્માઓને એમના કર્મ પ્રમાણે સ્વર્ગમાં કે નરકમાં કાયમ માટે મોકલી આપે છે. આ મૃતાત્માઓને ફરી સુધરવાની તક આપતો નથી અર્થાત પૂનર્જન્મ મળતો નથી. તો ઇશ્વર આવો નિર્દય હશે શું?આ મુકરર દિવસને ખ્રિસ્તીઓ અને યહુદીઓ “ડે ઓફ રીસરેકશન’ કહે છે અને મુસ્લિમો તેને “કયામત”નો દિવસ કહે છે.
પૂનર્જન્મ કે સ્વર્ગ અને નરક છે કે નહીં તે કોણ કહી શકે. છતાં પૂનર્જન્મવાદીઓ પોતાનો મત સિદ્ધ કરવા કેવળ શ્રદ્ધાનો સહારો ન લેતાં તર્કબદ્ધ દલીલોનો સહારો લે છે.તેમની પહેલી દલીલ તો એ છે કે કોઇ પણ વ્યકિત કે જે કર્મના સિદ્ધાંતમાં માનતી હોય તેણે પૂનર્જન્મની માન્યતા સ્વિકારવી જ પડે. જો તે એમ ન કરે તો તે કોઇ દુરાચારીને સુખમાં રાચતો કે કોઇ સદાચારીને દુઃખમાં રડતો જુએ તો એ ઘટના કેવી રીતે સમજાવી શકે ? આવી ઘટના જોતાં જ એ કહેશે કે “અરે ભાઇ,આતો એના આગલા જન્મના કર્મોનું ફળ ભોગવે છે.” પણ આ ઉપરથી તો એમ સાબીત થાય કે કર્મનો નિયમ તો પ્રારબ્ધને જ પ્રાધાન્ય આપે છે અને તેથી લોકો પ્રારબ્ધ ઉપર આધાર રાખી નિષ્ક્રિય થઇ જાય છે. તો શું કર્મનો સિદ્ધાંત સાચે જ નિષ્ક્રિયતાનો પ્રેરક છે?
ના, જરાય નહી.કર્મના સિદ્ધાંતને પ્રારબ્ધવાદ માની લેવા જેવી બીજી મોટી ભૂલ કોઇ નથી એમ હું માનું છું. કારણ આ સિદ્ધાંત કર્મ ઉપર નહી પણ કર્મ કરવાની રીત ઉપર, અર્થાત અહંકાર રહીત પુરૂષાર્થ એટલે કે નિષ્કામ કર્મ ઉપર ખાસ ભાર મુકે છે. બૌદ્ધો અને જૈનો તો ભગવાન કરતાં પણ આ નિયમને વધુ અગત્ય આપે છે.
હવે વૈદિક વિચાર ધારા પ્રમાણે પૂનર્જન્મ અંગે શું સમજાવ્યું છે તે જોઇએ. આ તત્ત્વજ્ઞાન પ્રમાણે માનવ જીવના ત્રણ અલગ અલગ ભાગમાં પાડી એમાના કયા ભાગ માટે પૂનર્જન્મની શકયતા છે તે સમજાવ્યું છે.આ ત્રણ ભાગ આ પ્રમાણે છે.
૧) કારણ શરીર ૨) સ્થૂળ શરીર કે કાર્ય શરીર ૩) સૂક્ષ્મ શરીર કે કારક શરીર

કારણ શરીર –
આ શરીર કે જેને કારણે બીજા બે શરીર સંભવી શકે છે અને ટકી શકે છે તેનું વર્ણન કરતાં શાસ્ત્રો કહે છે કે તે શાશ્વત, અજન્મા,અદ્રષ્ય,સર્વવ્યાપી વગેરે વગેરે છે. તો જે જન્મ્યું જ નથી તેનું મૃત્યુ કેવી રીતે થાય? અને મૃત્યુ વગર પૂનર્જન્મ કયાંથી ? અર્થાત આ કારણ દેહના પૂનર્જન્મ વિશે વિચાર કરવો પણ યોગ્ય ન ગણાય.

ન જાયતે મ્રિયતે વા કદાચિત્ નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ
અજો નિત્યઃ શાશ્વતઃ અયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ગીતા ૨,૨૦

સ્થૂળ શરીર –
આ શરીર “આકાશ,અગ્નિ,વાયુ,પૃથ્વી અને પાણી” એ પંચમાભૂતોનું બનેલું છે. અહીં ‘ વાયુ ,પૃથ્વી અને પાણી’નો ઉલ્લેખ કરી પદાર્થ માત્રની ઘન,પ્રવાહી કે વાયુ સ્થિતીનું સુચન કરવામાં આવ્યું છે. જયારે અગ્નિ “પ્રકાશ અને ગરમી”શકિતનું સુચન કરે છે. અને આકાશ આ બધા‘પદાર્થ અને શકિત’ને પાંગરવા માટે અતિ આવશ્યક છે.અને મૃત્યુ પછી આ પાંચ તત્ત્વોના બનેલા દેહનું,એના મૂળ તત્ત્વોના રૂપમાં પરિવર્તન થાય છે.(Law of conservation of mass and energy) આ દ્રષ્ટિએ જોતાં કદાચ એમ કહી શકાય કે આ પાંચ તત્ત્વોનો પૂનર્જન્મ થયો.પરંતુ આ તત્ત્વો સ્થૂળ દેહની ઉત્પત્તિ થતાં પહેલા પણ હતાં જ કેવળ સ્થૂળ દેહનો અંચળો ઓઢી સંતાઇ રહયાં હતા એટલે કે દેહ રૂપમાં વ્યકત હતાં એમ કહેવાય. ગીતામાં આ વાતનો પણ ઉલ્લેખ છે.

અવ્યકતાદીનિ ભૂતાનિ વ્યકત મધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ગીતા-૨,૨૮

વળી ફરી નવો અંચળો ઓઢી બીજી કોઇ પણ યોનીમાં નવો દેહ ધારણ કરી આ પાંચે તત્ત્વો વ્યકત થઇ શકે ખરાં. તેથી આ ક્રીયાને પૂનર્જન્મ કહેવા કરતા દેહની પૂનરાભિવવ્યકિત કહીએ તે વધારે યોગ્ય ગણાય એમ હું માનું છું.

સૂક્ષ્મ શરીર-
આ શરીર “મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર” નામના ચાર અંગોનું બનેલું છે.જેનું બીજું નામ છે ‘અંતઃકરણ’, અંતઃકરણનો સાચો અર્થ છે અંતરગત કરવું.(જેમ કે વશીકરણ કે વર્ગીૈકરણ કરવું) જીવન દરમ્યાન થતા અનુભવોને અંતરગત કરી વ્યક્તિત્વ ઘડવાની ક્રિયાને પણ અંતઃકરણ કહેવાય ને ? આપણે સહુ જાણીએ છીએ કે કોઇ પણ વિશયનું જ્ઞાન મેળવવું હોય તો સૌથી પ્રથમ
તે વિશય અંગેની બધી માહિતી મેળવવી જોઇએ. પછી
તેનું પૃથકકરણ અને વર્ગિકરણ કરવું જોઇએ ત્યાર પછી
આ વર્ગોને અલગ અલગ લેબલ લગાવ્યા બાદ
આ વર્ગોનોે સંગ્રહ કરવો અને છેલ્લે
તેના ઉપર મહોર મારી આ બધી માહિતી ભાવિ માટે સાચવી રાખવી.
આ ક્રિયાઓ આપણા અંતરમાં પણ આ પ્રમાણે જ થાય છે.
આપણું ભટકતું મન જુદી જુદી માહિતી મેળવી બુદ્ધિ ને આપે છે.
બુદ્ધિ તે માહિતી સારી છે કે ખોટી તેનું નિદાન કરી વર્ગિકરણ કરી ચિત્તને આપે છે.
ચિત્ત આ બધાનો સંગ્રહ કરી અહંકારને આપે છે અને
અહંકાર તેના ઉપર ” આ બધી માહિતી મારી છે” એવી મહોર મારી સાચવી રાખે છે.
અને જીવનભર આ અહંકાર સાચવેલી માહિતી વડે પોતાનું વ્યક્તિત્વ ઘડે છે.
ગીતામાં એમ કહયું છે કે મૃત્યુ બાદ, પવન જેમ ગંધને તાણી જાય છે તેમ આ અહંકાર (જીવાત્મા) પૂર્વ દેહમાં સંગ્રાહેલી વિગતોને સાથે તાણી જઇ નવા દેહ સાથે જોડે છે.

શરીરં યદવાપ્નોતિ યત્ ચ અપિ ઉત્ક્રામતી ઇશ્વરઃ
ગૃહીત્વા એતાની સંયાતિ વાયુઃ ગન્ધાન્ ઇવ આશયાત્ગીતા ૧૫-૮

મૃત્યુ પામતા પહેલાની જીવનની છેલ્લી પળોમાં અધુરી રહેલી કેટલીક ઇચ્છા મનને કોરી ખાતી હોય છે. આવી ઇચ્છા વાસનાનું રૂપ લઇ નવા જીવનમાં ડોકીયાં કરે છે.જયારે કેટલીક ઇચ્છા એવી પણ હોય છે કે જે મનને કોરી નથી ખાતી છતાં મનમાં તે પુરી ન થવાનો અસંતોશ રહી ગયો હોય.આવી ઇચ્છા નવા જીવનમાં સંસ્કાર રૂપે વ્યકત થાય છે આમ સંસ્કાર અને વાસનાનું ભાથું લઇ અહંકાર પોતાની લખ-ચોરાસીની યાત્રામાં આગળ વધે છે. પૂર્વ જીવનની માહિતીનું નવા જીવનમાં થતું આવું પ્રસારણ કદાચ એક ઉદાહરણથી વધુ સમજાશે. જેમ રેડીયો સ્ટેશનેથી પ્રસારીત માહિતી યોગ્ય રીતે ટયૂન કરેલો રેડીઓ ઝીલે છે તેમ જ પૂર્વ જીવનના અંતઃકરણમાં સંગ્રાહેલી માહિતીથી, વાસનાઓથી, યોગ્ય રીતે ટયૂન થયેલું નવા દેહનું મગજ એ જુની માહિતીના પ્રસારણને ઝીલીને નવા અનુભવ કરતું હશે. આમ બને છે કે નહીં તેનો પુરાવો મારી પાસે નથી. આતો કેવળ મારી માન્યતા જ છે. એની હાંસી ઉડાવશો કે અવગણના કરશો તો મને કોઇ વાંધો નથી. પરંતુ મારા વિચારોમાં થયેલી ક્ષતિઓ પ્રત્યે મારું ધ્યાન નહીં દોરો તો મને દુઃખ તો જરૂર થશે.
ઇતિ.

ડિસેમ્બર 19, 2007 at 10:27 પી એમ(pm) 1 comment

“ઈશાવસ્ય શ્લોક- ૧૭,૧૮

jump to navigation

 

શ્લોક – ૧૭

વાયુઃ અનિલં અમૃતં અથેદં ભસ્માન્તં શરીરમ્ ૤
ક્રતો સ્મર કૃતં સ્મર ક્રતો સ્મર કૃતં સ્મર ૤૤

રહો પ્રાણ (મારો) અમૃત અનિલે
થાઓ ભસ્મ દેહ આ (મારો)
ૐ ધાર્યું સ્મર, કર્યું સ્મર -ધાર્યું સ્મર,કર્યું સ્મર.

હવે જયારે જીવનનો સૂર્ય અસ્તાચળ સુધી પહોંચી ચુકયો છે અને ડુબવાની તૈયારીમાં છે ત્યારે સાધક પોતાના મનનું અને જીવનભર કરેલા કર્મોનું સરવૈયું કાઢતા પોતાના મનને પૂછે છે કે હે મન હે ક્રતુ, હે મારા મનોબળ તેં જીવનભર શું શું ધાર્યું હતું અને તે શું શું કર્યું તેનું સ્મરણ કર.આપણા જીવન દરમિયાન જે જે કર્મો કર્યાં હોય જે જે વિચારો સેવ્યાં હોય તે જ વિચારો છેલ્લી ઘડીએ યાદ આવે.

યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરં ૤
તં તેમેવૈતિ કૌતેય સદા તભ્દાવભાવિતઃ ૤૤ ગીતા ૮-૬

એનો અર્થ છે કે મનુષ્ય અંતકાળે જે જે પદાર્થનું સ્મરણ કરતો દેહ છોડે છે તે તે પદાર્થોને જ તે એના પુનર્જન્મમાં પામે છે.અર્થાત આમાનાં જે જે વિચારો, જે જે એષણાઓ અપૂર્ણ રહેવાથી મનમાં તેનો વસવસો રહી ગયો હોય (પોટન્ટ ડીઝાયર્સ )તે બધા વિચરો અને એષણાઓ પુનર્જન્મમાં મનની વાસના રૂપે પ્રગટ થાય,વળી એવી ઇચ્છાઓ કે અધુરી રહી હોય છતાં મનમાં જેનો વસવસો ન રહયો હોય (લેટન્ટ ડીઝાયર્સ) તે પુનર્જન્મમાં સંસ્કાર બની પ્રગટ થાય. કહેવાની મતલબ એ છે કે જીવનભર આપણે જે જે ધાર્યું હોય જે જે કર્યું તે જ મૃત્યુ વખતે યાદ આવે છે.અહીં ઇશાવાસ્ય વૃત્તિથી જીવન જીવી ચુકેલા સાધકને મનનું સરવૈયું કાઠતાં બતવ્યો છે.આવો સાધક છેલ્લી ઘડીએ મોક્ષનો વિચાર કરતો જણાય છે.તે પ્રાર્થે છે કે ભલે આ મરો દેહ ભસ્મસાત થઇ જાય પણ મરો આ પ્રાણ અનિલમાં અર્થાત માતરિશ્વમાં ભળો.મૃત્યુ વેળા આવા ઉદ્દગાર તો જેને દેહનો કે સંસારનો જરા પણ મોહ રહયો નથી તે જ કાઢી શકે.પૂજય ગાંધીજી એમનું જીવન આવી ઇશાવાસ્ય વૃત્તિથી જીવ્યા એટલે જ મૃત્યુ સમયના એમના ઉદ્દગાર હતા “હે રામ ”

શ્લોક-૧૮
અગ્ને નય સુપથા રાયે અસ્માન્
વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્ધાન ૤
યુયોધિ અસ્મદ્ જજુહુરાણમેનો
ભયિષ્ટામ્ તે નમ ઉકિતં વિધેમ ૤૤

હે પ્રાણ, લઇજા સુપથે સિદ્ધિ માટે
(તું છે)વિશ્વદેવ સહુ કર્મો જાણનાર
કરી દે દૂર અમ પાપ વાંકા જનારા
ઝાઝાં હો નમન તને અમારા.
શ્લોક સત્તરમાં મન સુધી પહોંચાલો સાધક આ શ્લોકમાં એના આત્માને પ્રાર્થના કરતો હોય એમ લાગે છે. ‘વયુનાનિ’ નો અર્થ છે કર્મો. સાધક જાણે છે કે આપણા બધાં જ કર્મોનું સાક્ષી છે આપણું મન.પણ મનનો કોઇ સાક્ષી હોયતો તે છે આપણો આત્મા. અને તેથી જ સાધક આત્માને વારંવાર (ભૂયિષ્ટામ્ ) વિનંતી કરે છે કે હે આત્મા,તું તો અમારા મનનો પણ સાક્ષી છે એટલે તું અમારા કીધેલા બધાજ કર્મો જાણે છે.તો તું અમને,પાપ કર્મો કરાવનારા આ અમારા દેહ અને મનથી દૂર કરી સિદ્ધિના સરળ માર્ગે લઇજા.

ઉપસંહાર
આ ઉપનિષદમાં ૠષિ આપણને સમજાવે છે કે ‘અદઃ અને ઇદં’ અર્થાત પુરૂષ અને પ્રકૃતિ રૂપે ભાસતા બે પૂર્ણ વાસ્તવમાં એક જ છે છતાં તે બે જુદા જુદા હોય એવી પ્રતિતી થવાનું કારણ છે જોનારની દ્રષ્ટિ,જોનારનું મન.જો પ્રકૃતિના કણ કણમાં પુરૂષનો વાસ હોય અને જો પુરૂષ પૂર્ણ હોય તો તે પ્રકૃતિ અપૂર્ણ કેવી રીતે હોઇ શકે ? અહીં ૠષિ વિવિધ પ્રકૃતિના લોકો માટે વિવિધ શબ્દો વાપરી એક જ વાત સમજાવે છે.એમના મત પ્રમાણે સહુના જીવનમાં ભોગ અને ત્યાગ, વિદ્યા અને અવિદ્યા તથા સંભૂતિ અને વિનાશનું જ્ઞાન અનીવાર્ય છે અને તેથી જ તે બધાની પુરતી સમજ કેળવવી જ જોઇએ. વધારામાં એમ પણ કહયું કે આ બાબતો વિશેના વિચારો જમાના પ્રમાણે બદલાતા રહે છે તેથી દરેક વ્યકિતએ તત્કાલીન ધીર પુરૂષોની સલાહ પ્રમાણે ચાલવું. ૠષિનું કહેવું છે કે જયારે કોઇ વ્યકિત પોતાના મનમાં પુરૂષ અને પ્રકૃતિને એક બીજામાં ઓત પ્રોત કરી મુકે છે ત્યારે જ એને સાચું બ્રહ્મજ્ઞાન લાધે છે.આવી વ્યક્તિત જ સુખ દુઃખમાં મનની સ્વસ્થતા સાચવી શકે છે. પારકાઓ પ્રત્યેની ઘૃણાનો ત્યાગ કરી શકે છે.અને આવી વ્યકિત જ અંત કાળે ભસ્મસાત થનાર દેહનો મોહ રાખ્યા વગર પોતાનો પ્રાણ પુરૂષમાં ભળી જાય એવી પ્રાર્થના કરી શકે. આમ ઇશાવાસ્ય ઉપનિષદમાં “આત્મા-પરમાત્મા”, “ભોગ-ત્યાગ”, “વિદ્યા-અવિદ્યા” તથા “સંભૂતિ- વિનાશ” જેવા ચાર દ્વૈતની ચર્ચા કરવામાં આવી છે.અને તમો ગુણી,રજો ગુણી, સત્વ ગુણી લોકોએ સત્યની શોધ માટે કેવી રીતે જીવનનું ઘડતર કરવું જોઇએ તેની સજમ આપી છે.મેં શરૂઆતમાં જ કહેલું કે પૂર્ણ ‘મદઃ પૂર્ણં ઇદં’ એ શાંતિ મંત્ર સમજાવવા કોઇ ધીર પુરૂષે અઢાર શ્લોકનું જે સંક્ષીપ્ત ભાષ્ય લખ્યંુ તે છે આ ઇશોપનિષદ. અઢાર શ્લોકમાં આટલું બધું સમજાવનાર ૠષિને નત મસ્તકે એટલું જ કહેવું રહયું કે
હે ૠષિવર્ય,
ભૂયિષ્ઠામ તે નમઃ ૤ ભૂયિષ્ઠામ તે નમઃ ૤ ભૂયિષ્ઠામ તે નમઃ ૤

અહીં આ સાથે ઇશોપ્નિષદની બાળપોથીની પૂર્ણાહુતિ કરું છું

ડિસેમ્બર 4, 2007 at 9:26 પી એમ(pm) 1 comment

Older Posts Newer Posts


સંગ્રહ

જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Blog Stats

  • 29,513 hits