“જગત”
ઓગસ્ટ 10, 2010 at 6:31 પી એમ(pm) gdesai Leave a comment
જગત
ગત એટલે જે જતું રહયું છે તે. પરંતુ આપણી સમક્ષથી બધી વસ્તુઓ, બધા વિચારો શાથી જતા રહે છે ? એનું કારણ છે ગતિ. અને આ ગતિને કારણે જે જન્મે છે તે છે જગત. “ગત્યાત જાયતે ઇતિ જગત.” પરંતુ ગતિ તો સાપેક્ષ છે અને આપણને મન અને જગત બન્ને ગતિમા હોય એવું લાગે છે તો પ્રશ્ન એ છે કે આ ગતિનું કારણ આપણંુ મન છે કે આપણંુ જગત અથવા આ બેઉ ? આ શી રીતે નકકી થઇ શકે? એ તો સમાન્ય અનુભવની વાત છે કે સ્વપ્નાવસ્થામા આપણું મન કોઇ એવી અવનવી સૃષ્ટિ ખડી કરી દે છે કે જેનું કોઇ અસ્તિત્વ જ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે જે મન ઊંઘમાં પણ દોડતું રહે છે તે જાગૃત અવસ્થામાં પણ ગતિમાં હોઇ શકે છે. પરંતુ ગાઢ નિદ્રામાં તો મન કે જગત કશું જ ફરતું દેખાતું નથી. અર્થાત ગતિ જેવું કશું રહેતુ જ નથીં. આ ઉપરથી તો એમ કહી શકાય કે જગત તો સ્થિર જ હતુું. હવે વધુ ચકાસણી કરવી હોય તો જગતને સ્થિર કરી મન ગતિમાં છે કે નહીં તે તપાસવું રહયું. પણ જગતને કેવી રીતે સ્થિર કરી શકાય. મને લાગે છે કે આનો પણ એક ઉપાય છ ખરો. જગત એટલે બ્રહ્માંડ અર્થાત એક મોટો ગોળો. જો આ ગોળો ગતિમાં હોય તો તેનો દરેક ભાગ ગતિમાં જ હોવાનો. તો જો આપણે તેના કોઇ એક ભાગને સ્થિર કરી શકીએ તો આ ગોળો, આ જગત પણ સ્થિર થઇ જાય. હવે જરા વિચારો. આપણો આ દેહ જગતનો જ એક ભાગ છે. જો એને સ્થિર કરીએ તો જગત પણ સ્થિર થઇ જાય. પરંતુ એમ કરવા માટે આ દેહનું સંચાલન કરતા શ્વાસ અને મનને સ્થિર કરવા ખૂબ જરુરી છે. આ કારણે જ તપસ્વિ સાધકો અંધારી ગુફામાં બેસી પ્રાણાયામ કરતા હશે. અને જયારે તેમને સમાધિ લાગી જાય છે ત્યારે એમની સમક્ષનું જગત પણ સ્થિર થઇ જાય છે. કેવળ સ્થિર નહીં પણ અદ્રષ્ય થઇ જાય છે.
આ ઉપરથી તો એટલું જ પુરવાર થાય છે કે કેવળ મનની ગતિથી આ જગત અસ્તિત્વમાં આવે છે. અને એટલે જ અમૃતબિન્દુ ઉપનિષદમાં કહયું છે કે
” મનઃ એવ મનુષ્યાણાં કારણમ્ બંધ મોક્ષયો
બંધાય વિશયાસકત મુકતં અવિશયઃ સ્મૃતમ્ “
હવે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો એમ કહેવાય કે
ગતિ =અંતર / સમય
પરંતુ અંતર એ તો સ્થળનું માપ છે. તો આપણે કહી શકીએ કે
ગતિ = સ્થળ / કાળ
આમ જો ગતિ શૂન્ય થઇ જાય તો સ્થળ અને કાળ પણ અદ્રષ્ય જ થઇ જાયને?
ગતિ મરી, બધું મર્યૂં સાથે મર્યાં સ્થળ ને કાળ
વિચારું હું મન મહીં કોણે રચી હશે આ માયા જાળ
ઇતિ.
Entry filed under: Uncategorized.
Trackback this post | Subscribe to the comments via RSS Feed