Archive for એપ્રિલ, 2010
“कर्मण्ये वाधीकारस्ते मा फलेषु कदाचन”
મિત્રો,
આ લેખના લેખક છે અશોકભાઇ મોધવાડીયા. લેખ મને ગમ્યો અને તમને સહુને ગમશે એમ માની રજુ કરું છું
એમના બ્લૉગ ” vanchanyatra.wordpress.com” ઉપરથી મેં અહીં મુયો છે. એમા નિર્દેશેલા ફોટોગ્રાફ મુકી શક્યોનથી.
“कर्मण्ये वाधीकारस्ते मा फलेषु कदाचन” સંસારમાં આ શ્ર્લોક સંપૂર્ણપણે જો કોઇને લાગુ પડતો હોય તો તે છે “જગતતાત”, “ધરતિપુત્ર”, “કૃષિકાર”, “ખેડુત”. એવું નથી કે તેમને ફળની આશા નથી ! બલ્કે, ફળ માટે જ તો તેઓ આ કૃષિકર્મ કરે છે. પરંતુ છતાં અનાયાસે જ આ શ્ર્લોકનો ભાવાર્થ તેમને સચોટપણે લાગુ પડી જાય છે. કારણ કે ખેડ થી માંડી અને પાક તૈયાર થવા સુધીનો સમગ્ર વ્યવહાર મહદાંશે કુદરતને આધિન છે. છતાં હૈયામાં હામ અને મનમાં શ્રધ્ધા રાખી તેઓ વર્ષોવર્ષ તેમનું કર્મ કરે જાય છે. વરસ ક્યારેક સારું તો ક્યારેક માઠું પણ હોય, છતાં ખેડુનો દીકરો કદી મહેનત કરવામાં પાછી પાની કરતો નથી. કદાચ ન તો તેમણે ગીતા વાંચી છે, કે ન તો તે મોટાંમોટાં શાસ્ત્રો ભણ્યો છે, છતાં તે એક ઉત્તમ કર્મયોગી છે. ટાઢ, તડકો અને વરસાદ પણ તેમને આ કર્મયોગમાંથી ચ્યુત કરી શકતા નથી. હમણાં વતનમાં ગયો ત્યારે મારા કેમેરાની આંખે આ કર્મયોગના થોડા સુંદર દૃષ્યો યાદ રાખી લીધા! મારી અલ્પ સમજણ પ્રમાણે હું એ આપની શાથે માણવાની કોશિશ કરૂં છું. વધુ કશું જણાવવા જેવું લાગે તો આપ પણ સહર્ષ આમંત્રીત છો. આ ચિત્રોમાં આપને માટીની ભીની સુગંધ આવે તો મહેનત સફળ ગણાશે! બાકી જણાવજો, આપણે તો ફરી ખભે ખડિયો (અહીં કેમેરો !!) નાખી અને વધુ સારૂં કામ કરવા માટે નિકળી પડીશું આ ફોટોગ્રાફ પાંચ વર્ષ પહેલાંનો હોત તો દુ..ર પાછળ દેખાતો મોબાઇલ ટાવર આમાં ન હોત, કદાચ દશ વર્ષ પહેલાંનો હોત તો પાછળ દેખાતું ટ્રેક્ટર વડે ચાલિત આધુનિક મશીન પણ ન હોત, અને માનો કે આ ફોટો વિશેક વર્ષ પહેલાંનો હોત તો ખેતરનાં શેઢે દેખાતો વિજળીનો થાંભલો પણ ન હોત ! બાકી ખેડુત, જે માથું ફાડી નાખે તેવા તાપમાં (સમય બપોરે ૩:૩૦, તાપમાન- ૪૩ સે.) પણ બેઠોબેઠો ગાજર ગોડે છે, તે ત્યારે પણ એમજ કામ કરતો દેખાતો હોત. હજુ થોડી વધુ માહીતિ આપું તો આ ખેડુત શા માટે આટલા તાપમાં પણ મહેનત કરે છે ? શું ગાજર ગોડી (ખોદી) અને બજારમાં વેંચવાના છે ? નહીં ! આ ગાજર વેંચવા માટે નથી. (જો કે હોય તો પણ તે તેને માટે સ્વતંત્ર છે) અત્યારે ખેડુત એટલા માટે મહેનત કરે છે કે જેથી હમણાં રોંઢે (સાંજ પહેલાના સમયે) તેના વ્હાલા, પુત્રસમા, બળદો ભુખ્યા થશે. પાછા લાડકા રાખેલા બળદો વાસી ગાજર તો ખાશે નહીં !! આથી ગમે તેવો તાપ ભલે હોય પણ બળદો માટે તાજા તાજા ગાજર ઉપલબ્ધ કરાવવા તેને તે પોતાની ફરજ સમજે છે. (શોપિંગ અને પાર્ટીઓમાં જવાની લ્હાયમાં ખુદ પોતાના બાળકો માટે ભેગું થી રાંધી અને ફ્રિજ ભરી ભાગતી માતાઓ કંઇ ધડો લેશે ??) અહીં પાસેના ફોટામાં આપ પણ ઉનાળાની ગરમી અનુભવી શકશો. જો કે આ બધા જ ફોટોગ્રાફ ખેંચતી વખતે ફોટોગ્રાફર સાહેબ છાંયામાં જ ઉભા રહેલા છે !!! અને લો હવે મે‘માન આવ્યા છે તો તેની મે‘માનગતી કરીએ ! શહેરોની વાત જવા દઇએ, ત્યાં તો અનુકુળતા મુજબ વર્તવું પડતું પણ હોય, પરંતુ મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે આગતાસ્વાગતા માટે ચા એકમાત્ર ચીજ બની ગયેલી છે. જો કે ચા ના શોખીનો સામે મારો કોઇ વિરોધ નથી ! પરંતુ જ્યાં અન્ય પૌષ્ટિક કુદરતી પીણાઓ ઉપલબ્ધ છે, (અને પાછા અલ્પખર્ચમાં પતે તેમ છે !) ત્યાં પણ શા માટે ચા કે અન્ય કાર્બોનેટેડ ઠંડાપીણાઓનો આગ્રહ રખાતો હશે ? કદાચ સુધરેલા દેખાવા માટે !!! ગ્રામ્ય જગતમાં ખાસ તો છાસ, નાળિયેરપાણી, લીંબુશરબત કે અન્ય સ્થાનીક ઉપલબ્ધ પીણાઓનો (એ ’દેશી’ નું નામ કોણે લીધું ? ) આગ્રહ રાખવામાં આવે તો કેવું સરસ ! જો કે અહીં મારા યજમાન સમજદાર છે, લીલા નાળિયેરનું પાણી આ ગરમીમાં તો અમૃત સમાન લાગ્યું. અને લાગે પણ કેમ નહીં ? અહીં તો ખુદ યજમાન, જાતમહેનતથી ઉછેરેલી નાળિયેરીમાંથી, જાતમહેનતે નાળિયેર ઉતારી, ફોડી અને પોતાનો રૂડો સ્નેહ ભેળવેલું પીણું પ્રેમપૂર્વક પાય છે. અમથું કહ્યું હશે કે: ’કાઠિયાવાડમાં કોક દી, તું ભુલો પડ ભગવાન | અને થાજે મારો મે‘માન, તને સ્વર્ગ ભુલાવું શામળા’ || અને હવે કર્મશીલતાને કારણે ઉત્પન્ન થયેલા થોડા મીઠા ફ્ળોનો પણ આસ્વાદ માણીએ, માણસ ખોટો જ ઉદાસ થાય છે. ન તો તેને જાત પર ભરોસો છે કે ન તો કુદરતની વિવેકબુદ્ધિ પર. બાકી કરેલું કદી નિષ્ફળ જતું નથી. હા, ક્યારેક આપણને સમજાતું નથી ! ક્યાંક એવા અર્થનું વાંચેલું કે ’કોઇને ઓછું કદી મળતું જ નથી, ફક્ત આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે.’ તો મિત્રો અહીં મારા પ્રવાસની ફક્ત થોડી ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે. આમ તો ક્યાંક ફરી આવ્યા પછી, ઘરે કોઇ મહેમાન મળવા માટે આવે તેને, હરખપદુડા થઇ અને, આપણા ફોટાઓનું આલ્બમ બતાવવાનો કેવો અદમ્ય ઉત્સાહ આપણને હોય છે ! બસ એવોજ આ ઉત્સાહ છે !! આપ ખોટાખોટા વખાણ પણ કરશો તો બીજું આલ્બમ બતાવવા માટે તૈયાર જ છે. ! બાકી આપને વધુ રસ પડે તો મારા ’ફ્લિકર’ ફોટો આલ્બમ પર સાદર આમંત્રીત છો. આભાર.
તાજેતરની ટિપ્પણીઓ