અપેક્ષા અને ઉપેક્ષા
ફેબ્રુવારી 15, 2008 at 12:44 પી એમ(pm) gdesai 1 comment
અપેક્ષા એટલે આશા કે ઇચ્છા અને ઉપેક્ષા ટલે અનાદર કે અવગણના. બેઉના આવા અર્થમાં જરાએ સામ્યતા નથી છતાં આ બેઉ વચ્ચે મા દિકરી જેવો ખૂબ ઘાડો સંબંધ છે. આશા અંગે શ્રી કલાપીએ લખ્યું છે કે
” આશા એ તો મધુર કડવો અંશ છે જીદગીનો
છેદાયે ના જીવીત લગી એ છેદતાં જીવ જાતો.”
કારણ અપેક્ષા હંમેશા પોતાનું મુખ ભાવિ તરફ રાખે છે. અર્થાત આ ઇચ્છા કે આશાને સહારે જ આપણે આપણું ભાવિ ઘડતાં રહીએ છીએ.આને જ જિજીવિષા કહેવાય છે. જેના મનમાં જિજીવિષા ન રહે તેના જીવનનો અંત આવી જાય છે. એનો અર્થ એ થયો કે જો જીવન જીવવું હોય તો મનામાં ઓછામાં ઓછી એક ઇચ્છા તો હોવી જ જોઇએ. પરંતુ ઇચ્છા રાખવામાં એક મોટો વાંધો એ છે કે આઅપેક્ષાનું ફળ ભાવિમાં સુખ લાવશેે કે દુઃખ તે જાણી શકાતું નથી.અને જો સુખ મળે તો મન એવા સુખનો ફરી અનુભવ કરવા વધુ લલચાય છે અને દુઃખ મળતાં આંસુ સારવાનો વખત આવે છે.
જો હોયે ઇચ્છા મન મહીં તો તે ફળે કે નિષ્ફળ થાય ન ફળતાં દુઃખ ઉપજે ’ને ફળે તો મન ફરી લલચાય પરંતુ જો ન હોયે ઇચ્છા એક પણ તો જીવન કદી જીવાય તો તેનો ઉપાય શું?
તો ઇચ્છા એક જ રાખવી કે હરિ ઇચછાથી બધું થાય. આવી વૃત્તિથી કરેલા કામને જ નિષ્કામ કર્મ કહેવાય છે.અપેક્ષાથી ઉપસ્થિત મનની દ્વિધાનું આ એક જ મારણ છે. ઇશાવાસ્ય ઉપનિષદના પહેલા બે શ્લોકમાં આ જ વાત સમજાવી છે એમ હું માનું છું. ઉપેક્ષા પોતાની નજર ભૂત અને ભાવિ બેઉ તરફ રાખી શકે છે. કવાની મતલબ એ છે કે ભૂતકાળમાં કોઇએ આપણી ઉપેક્ષા કરી હોય તો તે આપણાથી ભૂલાતી નથી અને ભાવિમાં જો તક મળે તો બદલો લેવાનું ચૂકતા નથી.અને જો આપણે કોઇની અપેક્ષા કરી હોય તો તે પણ મળેલી તક ચુકતો નથી.
ઉપેક્ષાથી બચવાના બે સરળ ઉપાય છે એક સહકાર અને બીજો સંયમ. જયારે કોઇ આપણી સહાયની અપેક્ષા રાખે ત્યારે બનતી મદદ કરવી અને જયારે કોઇ તેનાથી બનતી મદદ ન કરે ત્યારે સંયમ રાખી તે વાત ભૂલી જવી. છતાં કોઇ વાર એવું બને કે વિના કારણ આપણી ઉપેક્ષા થાય. આવું થવાનું કારણ શું છે તે કાકા સાહેબ કાલેલકરે એક જ વાકયમાં સરસ રીતે સમજાવ્યું છે.
“જો હું મારું માન બીજાના હાથમાં સોંપુ તો જ તે મારું અપમાન કરી શકે ને?”
આ માન સોંપવું એટલે કોઇની પાસેથી કશું મેળવવાની અપેક્ષા રાખવી.અને જો એનું પરિણામ આપણી અપેક્ષાથી વિરુદ્ધ આવે તો આપણી ઉપેક્ષા થઇ એવું લાગે. અપેક્ષા હોય તો જ ઉપેક્ષા થાય ને ? અર્થાત ઉપેક્ષાનો જન્મ અપેક્ષામાંથી જ થાય છે. જો અપેક્ષા ન હોય તો ઉપેક્ષા કયાંથી ? મા ન જન્મી હોય તો દિકરી કયાંથી ? જીવનમાંથી અપેક્ષાઓ ઓછી કરવી હોય તો સ્વાવલંબી થતાં શીખવું જોઇએ. હું જેટલો સ્વાવલંબી અને સ્વતંત્ર રહું તેટલો બીજાના સહકારની આશાથી મુકત રહી શકું.અને તો જ મારી ઉપેક્ષા થવાનો સંભવ ઘટતો જાય.
જીવન જેટલું સ્વાવલંબી અને સ્વતંત્ર બને તેટલું તે સુખી અને આનંદમય બને. વળી જીવનની જરુરીયાતો જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ સ્વતંત્રતા વધતી જાય તેમાં મને જરાયે શંકા નથી.
Entry filed under: ચિંતન લેખ.
1.
vijayshah | ફેબ્રુવારી 17, 2008 પર 12:22 એ એમ (am)
bahuj saras chintan majhaa avi gayi!