Archive for ફેબ્રુવારી 14, 2008
સ્મરણ અને વિસ્મરણ
સ્મરણ એટલે યાદ કરવું અને વિસ્મરણ એટલે ભૂલી જવું. આ બેમાં સારું શું ? મોટા ભાગના લોકો સ્મરણની પસંદગી કરશે એમાં મને જરાયે શંકા નથી. પરંતુ આ અંગે વિચાર કરતાં મને મનમાં પ્રશ્ન થયો કે વિસ્મરણ સિવાય સ્મરણ થઇ શકે ખરું. આ બે શબ્દોનો જરા જુદી દ્રષ્ટિથી વિચાર કરતાં મને સમજાયું કે સ્મરણ તો ત્યારે જ થાય કે જયારે મન જે વિષયનું સ્મરણ કરવા ઇચ્છતું હોય તે વિષયમાં એકાગ્ર થાય.અને તે માટે મનમાં ભમતા બીજા બધા વિષયોનું વિસ્મરણ થાય. આ ઘણું જરૂરી છે.
મારી દ્રષ્ટિએ વિસ્મરણનો અર્થ છે વિ(શિષ્ટ્)સ્મરણ. કારણ એની વિશિષ્ટતા એ છે કે તેનાથી કોઇ એક વિષય સિવાયના બીજા બધા વિષયોના વિચારને મનમાંથી દૂર કરી શકાય છે. મારી દ્રષ્ટિએ વિસ્મરણ એટલે ધ્યાનાવસ્થા. છતાં આપણે સહુ બને તેટલા વિષયો સ્મરણમાં રાખવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલું જ નહીં પણ ભાવિમાં તે ભૂલાઈ જવાના ડરથી તે બધું કાગળ કે કોપ્યુટર ઉપર સાચવી રાખીએ છીએ અને તેથી જે ભૂલવા જેવું છે તે પણ યાદ કરી કરીને દુઃખી થઇએ છીએ. જો દુઃખી ના થવું હોય તો વિસ્મરણ કરવાની ‘ધ્યાનાવસ્થ’ થવાની કળા શીખવા જેવી છે. જે શીખવી ખૂબ અઘરી છે.
કદાચ કોઇ એવી દલીલ કરે કે દવા દારૂના નશાથી વિસ્મરણ આસાનીથી થઇ શકે છે. હા જરૂર પણ તેને વિસ્મરણ કહેવા કરતાં અસ્મરણ કહેવું વધુ યોગ્ય ગણાય કારણકે આવા નશાથી કેવળ બેભાનાવસ્થા જ પ્રાપ્ત થાય.ધ્યાનાવસ્થા નહીં.અને આવી સ્થિતિમાં જેનું સ્મરણ કરવા ઇચ્છતા હોઇએ તે પણ ભૂલાઇ જાય. જોકે ‘અસ્મરણ’ જેવો કોઇ શબ્દ ગુજરાતી ભાષામાં નથી છતાં ‘જ્ઞાન,અજ્ઞાન અને વિજ્ઞાન’ કે ‘કર્મ,અકર્મ અને વિકર્મ’ જેમ સ્મરણ અસ્મરણ અને વિસ્મરણ કહેવામાં શું વાંધો છે.
વિસ્મરણની આ કળા કેવી રીતે શીખવી તે સમજાવવા પતંજલિ ઋષિએ પાતંજલ યોગસૂત્રની રચના કરી છે. જેમાં આ કળા હસ્તગત કરવા માટેના આઠ અંગોની ચર્ચા કરી છે.જેને અષ્ટાંગ યોગ પણ કહેવાય છે.
આ યોગસૂત્રના સૌથી પહેલા સૂત્રમાં જ એમણે કહયું છે કે ” યોગ ચિત્તવૃત્તિ નિરોધ” ભટકતી ચિત્તવૃત્તિ ને રોકવી એટલે યોગ આ આઠ અંગો નીચે પ્રમાણે છે. યમ ,નિયમ,આસન,પ્રાણાયમ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ.આમાના પહેલા પાંચ અંગ બહિરંગી ગણાય છે કારણ કે તે આપણા બહારના જગત સથેના આપણા સામાજિક વ્યવહારના ઘડતર માટે છે. અને છેલ્લા ત્રણ અંતરંગી છે એટલે કે આપણા આંતરિક જીવના ઘડતર માટે છે. આ દરેક અંગોના ઉપાંગો વિશેની સમજ પતંજલિ ઋષિએ આપી છે. જેનો ઉલ્લેખ અહીં કરૂં છું. યમના ઉપાંગો “અહિંસા, સત્ય, અસ્તેય, બહ્મચર્ય, અને અપરિગ્રહ” નિયમના ઉપાંગો “શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય,અને ઇશ્વર પ્રણિધાન” આસનના ઉપાંગો “ધૌતિ, બસ્તિ, નેતિ, ત્રાટક, નૌલી અને કપાલ ભાતિ” આને ષટકર્મો પણ કહેવાય છે.
પ્રાણાયમ એટલે શ્વાસોછ્શ્વાસનું નિયમન ધારણા એટલે અમુક વસ્તુ કરવાનો નિર્ધાર ધ્યાન એટલે વિશિષ્ટ સ્મરણ, એકાગ્રતા, સમાધિ એટલે સમ=એક સરખી અને આધિ= સ્થિતિ અર્થાત મનનું ઇચ્છીત વિષયમાં લય પામવું સ્મરણ વિસ્મરણ વચ્ચેની મારી સમજ વ્યકત કરવા પુરતો જ આ લખાણનો ઉદ્દેશ હતો એટલે અહીં રોકાઇ જાવું જ વ્યાજબી સમજું છું. ઇતિ.
તાજેતરની ટિપ્પણીઓ