” મન વિશે “

ઓક્ટોબર 24, 2007 at 10:00 પી એમ(pm) Leave a comment

જયારે જયારે મારૂં મન,મન વિશેના વિચારમાં વ્યસ્ત થાય છે ત્યારે સૌથી પહેલાં મનના સર્જકને નમન કરવા જરૂર પ્રેરાય છે.મનનું વિશ્લેશણ કરતી વખતે મારા મનમાં નીચેના પશ્નો ઉપસ્થિત થયા વગર રહેતા નથી ૧)મન એટલે શું ? ૨)એનું ઉદ્ભવ સ્થાન કયાં ? ૩)એનો નિવાસ કયાં ? ૪)એનું અંતીમ સ્થાન કયું ?
આ પશ્નોના જવાબ આપણા વૈદિક તત્ત્વજ્ઞો આ પ્રમાણે આપે છે.
મન એટલે વિચારોનો પ્રવાહ. એનું ઉદ્ભવ સ્થાન છે ચિત્ત. એનો નિવાસ છે અંતઃકરણ. અને એનું અંતીમ સ્થાન છે ચિત્ત, અર્થાત એ જયાંથી ઉદ્ભવ્યું ત્યંાજ છે એનું અંતીમ સ્થાન.
જેમ કોઇ પણ વ્યકિતનું સાચું મુલ્યાંકન કરવું હોય તો, તેની તેના પોતાના ઘરમાં રહેવાની રીતભાત અને તેનું રોજ બરોજનું વર્તન કેવું છે તે જાણવા તેના ઘરમાં પગ પેસારો કરી તેનું અંગત જીવન જાણવાની જરૂર પડે છે તેમ જ આપણે જો મનનું મુલ્યંકાન કરવું હોય તો તેના ઘરમાં અર્થાત અંતઃકરણમાં પગ પેસારો કરવો જરૂરી છે.પરંતુ આમ કરતાં પહેલા અંતઃકરણનો અર્થ સમજી લઇએ. જેમ વશીકરણ એટલે વશ કરવાની ક્રિયા, સમીકરણ એટલે સમાન કરવાની ક્રિયા તેમ અંતઃકરણ એટલે અંતરગત કરવાની ક્રિયા. જીવનભર થતાં અનુભવોને અંતરગત કરવાની ક્રિયા. વળી આ ક્રિયાથી જેનો સંગ્રહ થાય છે તેને પણ અંતઃકરણ કહેવાય છે. અંતઃકરણનું બીજું નામ છે સુક્ષ્મ શરીર. આપણા દસ ઉપાંગો ( પાંચ જ્ઞાનેન્દ્રિયો અનેપાંચ કર્મેન્દ્રિયો)વાળું શરીર સ્થુળ શરીર કહેવાય છે. અને આ બેઉ જેને આધારે ટકી રહે છે તેને કારણ શરીર કહેવાય છે. જેમ સ્થુળ શરીરનો વ્યવહાર તેના દસ ઉપાંગો દ્વારા ચાલે છે તેમ આપણા સુક્ષ્મ શરરિનો વ્યવહાર તેના ચાર ઉપાંગો – મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર – દ્વારા ચાલે છે અને આ ચાર ઉપાંગોનો સમુહ એટલે જ અંતઃકરણ.
હવે જો આપણે આ ચાર ઉપાંગોનો એક બીજા સાથેનો સંબંધ કેવો છે તે એટલે કે તેઓની એક બીજા પ્રત્યેની શું જવાબદારી છે તે સમજી લઈએ તો ઉપરના ચાર પશ્નોના જવાબની યોગ્યતા સમજાય.આ માટે ગીતાના ત્રીજા અધ્યાયનો શ્લોક બેતાલીસ સહાય રૂપ થશે એમ હું માનું છું.

ઇન્દ્રિયાણિ પરાણ્યાહુઃ ઇન્દ્રિયેભ્યઃ પરં મનઃ
મનસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ ગીતા ૩-૪૨
જેનો અર્થ છે.
ઇન્દ્રિયોના વિષયો ઉપર ઇન્દ્રિયોની સત્તા છે,ઇન્દ્રિયો ઉપર મનની સત્તા છે,મન ઉપર બુદ્ધિની સત્તા છે અને બુદ્ધિ ઉપર “સઃ” ની અર્થાત ‘તે’ની સત્તા છે.આ’તે’ એટલે જ ઇશ્વર કે પરમાત્મા જે કહો તે.આમ આશ્લોકમાં સૃષ્ટિ,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને પુરૂષ એમ પાંચ વિશયો અંગે વિચાર કરતા મનને મધ્ય સ્થાન મળ્યું કારણ મનને બેઉ તરફ જવાની પૂરી મોકળાશ છે. આમ મનને ઇન્દ્રિયો દ્વારા સૃષ્ટિનો સ્વાદ માણવાની યાતો બુદ્ધિ દ્વારા પુરૂષની ઝંાખી કરવાની સંપૂર્ણ છુટ છે. પરંતુ બુદ્ધિની ગુલામી સ્વિકારવા કરતા મનને ઇન્દ્રિયો ઉપર આધિપત્ય વધારે પસંદ છે. ગુલામી કોને ગમે છે ? અને તેથી જ તે ઇન્દ્રિયો તરફ વળે છે. અને આ ઇન્દ્રિયોનો સંગ લાગતા તેની શું વલે થાય છે તે સમજાવતાં ગીતાના બીજા અધ્યાના શ્લોક ૬૨ અને ૬૩માં નીચે પમાણે કહયું છે કે
ધ્યાયતો વિષયાન્ પુંસઃ સંગઃ તેષૂપજાયતે
સંગાત્ સંજાયતે કામઈ કામાત્ ક્રોધઃ અભિજાયતે ગીતા ૨-૬૨
ક્રોધાત્ ભવતિ સંમોહઃ સંમોહાત્ સ્મૃતિ વિભ્રમઃ
સ્મૃતિ ભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્ પ્રણશ્યતિ ગીતા ૨-૬૩

જેનો અર્થ છે, સૃષ્ટિના જે પણ વિષયને મન ધ્યાનમાં રાખે તેનો તેને સંગ લાગે છે અને તે વિષયનો ઉપભોગ કરવાની તેને કામના થાય છે.પરંતુ તેની બધી જ કામનાઓ કદી પણ સંતોશાતી નથી તેથી તે ખૂદ પોતા ઉપરજ ક્રોધિત થાય છે. અને આ ક્રોધને કારણે તે અભાન અવસ્થામાં આવી જાય છે અને તેને કારણે તેની સ્મૃતિનો નાશ થાય છે. અને આ સ્મૃતિનો નાશ એટલે સારા નરસાનો વિચાર કરવાની શકિતનો નાશ. જેમકે કોઇ માણસ ગુસ્સામાં આવી જાય તો તે અભાન અવસ્થામાં જ બાપને પણ થપ્પડ મારી બેસે. થોડી ક્ષણો માટે, ‘એ મારો બાપ છે’, એ અંગે એને વિસ્મૃતિ થઇ જાય છે. અને આવી વિસ્મૃતિ – ટેમ્પરર્રી ઇસ્નેનીટી – એટલે જ બુદ્ધિ નો નાશ જેને કારણે પોતાની જાતનો પણ નાશ થાય છે. હવે જો મન બુદ્ધિની ગુલામી સ્વિકારી પુરૂષ તરફ જવા મથે તો શું પરિણામ આવે તે અંગે શંકાચાર્યે ભજગોવિંદમ્માં એક શ્લોક કહયો છે.
સંસગત્વે નિસંગત્વં , નિસંગત્વે નિર્મોહત્વં
નિર્મોહત્વે નિશ્ચલ તત્ત્વં , નિશ્ચલતત્ત્વે જીવન મુકિત
આ શ્લોકનો અર્થ તો ખૂબ સરળ છે.
સત્સંગથી મનનો વિષયોના સંગમાંથી છુટકારો થાય છે, અને તથી તે પ્રત્યેનો મોહ છૂટી જાય છે.અને મોહ છુટતા મન આપોઆપ નિશ્ચલ તત્ત્વની શોધ કરવા પ્રેરાય છે. અને અંતે તે પ્રકૃતિની પકડમાંથી મુકત થઇ જાય છે. પણ આ માટે મનને આપણે જબરજસ્તીથી બુદ્ધિના ગુલામ થતાં શીખવાડવું પડે છે.અને તેને માટે કરવો પડતો પ્રયત્ન એજ છે સાચો કર્મ યોગ.
અસ્તુ.

Entry filed under: ચિંતન લેખ.

“પળે પળે” ” ગીતાનો સંદેશ ”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

ઓક્ટોબર 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Blog Stats

  • 35,694 hits

%d bloggers like this: