” નિવૃત્તિ ની વૃત્તિ “
જૂન 11, 2007 at 2:14 પી એમ(pm) gdesai Leave a comment
” નિવૃત્તિ ની વૃત્તિ ”
મારા નિવૃત્ત થયાને લગભગ નવ વર્ષ પુરા થયાં.અને મને તેનો આનંદ પણ છે.પણ મારા ઘણા મિત્રો જે નિવૃત્ત છે કે નિવૃત્તિને આરે આવીને ઉભા છે તે મને ઘણી વાર પશ્ન કરે છે કે તમે આખો દિવસ શું કરો છો ? કોઇ પ્રવૃતિ વીના તમારો સમય કેમ પસાર થાય છે ? આમાંના મોટા ભાગના મિત્રોને એમ લાગે છે કે નિવૃત્તિ એટલે ઘરની જેલ અને પત્નિ એટલે એ જેલનો જેલર. મને તો લાગે છે કે આનું કારણ એ છે કે આજીવીકા રળવામાં તેઓ એટલા વ્યસ્ત રહયાં કે બીજી કોઇ પવૃત્તિમાં રસ જ ન લીધો અને લીધો તો એવી પ્રવૃત્તિઓમાં કે જે બુઢાપાને સાનુકુળ ન હોય. તેઓ એમ માને છે કે પચીસ ત્રીસ વર્ષ સુધી પ્રવૃત્તિ કરી એટલે હવે નિરાંતે શ્વાસ લેવાનો એમનો પ્રવૃત્તિ સિધ્ધ હક છે. અને તેથી ફાજલ સમયમાં પત્નિની સાથે વગર જોઇતી લમણાકૂટ કરતાં રહે છે. અને પોતાના તેમજ પત્નિના મનમાં અશાંતિ ઉભી કરે છે. આ બધા નિવૃત્તિનો અર્થ “જીદંગી ભર કરેલી પ્રવૃત્તિનો અભાવ” એવો કરે છે અથવા તો જીદંગી ભર એક જ પવૃત્તિની ઘરેડમાં પડી તે પવૃત્તિ જ તેમને નિવૃત્તિ સમાન લાગે છે અને તેથી જ આવી પરિસ્થિતિમાં કોઇ પણ ફેરફાર થાય તો તેમને મુઝવણ થાય છે. મારી દ્રષ્ટિએ તો નિવૃત્તિ એટલે સહકાર યોગ. જો પચીસ ત્રીસ વર્ષ પછી તમારે આરામના શ્વાસ લેવા હોય તો તમારી પત્નિને એ હક નથી શું ? તમને બીજી કોઇ પણ પવૃત્તિ કરતા ન ફાવતું હોય તો પત્નિને એના કામમાં સહાય તો કરી શકોને ? વેકયુમ કલીનર રીપેર ન કરી શકો પણ ચાલુ કરી કાર્પેટ ઉપર ફેરવી તો શકો ને ? એઠાં વાસણ ડીશ વોશરમાં તો મુકી શકોને ? જો પત્નિનનો રોજ બરોજનો બોજ અડધો પણ ઓછો કરશો તો તમને બેઉને શાન્તિઃ,શાન્તિઃ,શાન્તિઃ નો સાચો અનુભવ થશે આ સહાય યોગનું ફળ છે. હું એમ નથી કહેતો કે તમારે કેવળ તમારી પત્નિને જ સહાય કરવી જોઇએ. કોઇ પુસ્તકાલયમાં કે મંદિરમાં કે હોસ્પીટલમાં સ્વયંસેવક બની સેવા આપશો કે કોઇ સામાજિક પવૃત્તિમાં ભાગ લેશો તો પણ ચાલશે.પરંતુ આમ કરવામાં તમારે પુસ્તકાલય કે મંદિર સુધી પહોચવા કોઇની સહાય લેવી પડે એમ હોય તો તો તમે બીજા કોઇને સહકાર યોગ કરાવા પવૃત્ત કરો છો એમ કહેવાય. બીજા ઉપર એડલો બધો ઉપકાર કરવાની કોઇ જરૂર નથી. ઘરમાં જો પત્નિને સહકાર આપશો તો આમુશ્કેલી નહીં નડે. નિવૃત્તિ વેળાની વૃત્તિ જો આવી હશે તો નિવૃત્તિમાં ઘર જેલ જેવું નહીં પણ સહેલ કે મહેલ જેવું લાગશે. આખી જીંદગી કોઇના સરવન્ટ રહયા તો હવે હાઉસ હસ્બન્ડ થાવામાં શું વાંધો છે. જો બીજું કઇ ન કરોતો આટલું જરૂર કરજો આ બુઢાની વાત માનો.અને જો આ બુઢાની વાતમાં વિશ્વાસ ન હોય તો તમારા પૌત્રો અને પૌત્રીઓ તમને “દાદા દાદા” કહીને શું કહેવા મથે છે તેનો વિચાર કરો. નિવૃત્ત થયા છો, દાદા થયા છો પણ દાદાનો સાચો અર્થ શું છે તે ખબર છે ? સંસ્કૃત ભાષામાં દા નો અર્થ છે આપવું. એટલે એ ન્હાનાં ભુલકાંઓ “દાદા દાદા” કહી તમને કહે છે ‘આપો આપો’. શું આપો ? તમારી સહાય આપો,તમારો સમય આપો,તમારી શકિત આપો,તમારો પ્રેમ આપો. કેવળ ન આપતા કોઇને વણમાંગી સલાહ. અરે હા,એમ ન માનતા કે હું તમને સહુને આ વણમાંગી સલાહ આપી રહયો છું આતો મારા અનુભવ સિદ્ધ વિચારો જ રજુ કરૂં છું. સ્વિકારો કે ના સ્વિકારો એ તમારી મરજીની વાત છે.માટે “યથા ઇચ્છસિ તથા કુરૂ”
અસ્તુ.
Entry filed under: વિચાર.
Trackback this post | Subscribe to the comments via RSS Feed