Archive for જૂન 5, 2007

” સત્ય- નારાયણની કથા “

” સત્ય- નારાયણની કથા ”

આ ત્રણ શબ્દોથી હિન્દુસ્તાનમાં જન્મેલી અને ઉછરેલી કોઇ પણ હિન્દુ વ્યકિત વાકેફ ન હોય એવું કવચીત જ બને. સ્કંદ પુરાણના રેવા ખંડમાં સમાયેલી આ કથામાં બીજી પૌરણિક કથાઓની જેમ જ સાંકેતિક ઉપદેશ આપવામાં આવ્યો છે એમ હું માનું છું.મારી દ્રષ્ટિએ જોતાં આ કથાનું તાત્પર્ય અને મહત્વ સમજવું હોયતો આ ત્રણે શબ્દોનો અર્થ અલગ અલગ સમજવો જોઇએ.અર્થાત સત્ય એ શું ? નારાયણ એટલે કોણ ? અને કથા એટલે શું ?
સત્ય એટલે ?
શાસ્ત્રોમાં સત્યના બે પ્રકાર ગણાવ્યા છે.એક કહેવાય છે ઋત અને બીજો કહેવાય છે સત્ય. ઋત એટલે એ વસ્તુ કે વિચાર કે જે સમયની ચૂડમાં સપડાય નહીં. એટલે કે સમયના વહેણ સાથે એ વસ્તુ કે વિચારમાં કોઇ ફેરફાર થાય નહીં.” જેમ કે ગુરૂત્વાકર્ષણનો નિયમ, અથવા જન્મેલાનું મૃત્યુ થવાનું જ છે” એવું વિધાન.અને સત્ય એટલે રોજીંદા જીવન દરમિયાન થોડા ઘણા સમય માટે ન બદલાતી વસ્તુ કે વિચાર જેમ કે હું આજે જીવિત છું, પણ કાલે ન પણ હોઉં. અથવા “હું પહેલા બાળક હતો, હવે યુવાન છું અને પછી વૃદ્ધ થઇશ” આ ત્રણે વિધાન સત્યતો છે જ પણ તે ત્રણેની સાથે ભૂત,વર્તમાન અને ભાવિ સંકળાયેલા છે ને ?
નારાયણ એટલે ?
હવે નારાયણનો અર્થ શું ? “નારાયન એટલે નાર+અયન” નાર નો એક અર્થ છે “ઇશ્વર” અને અયન એટલે “ની તરફ જવું ” જેમકે ઉત્તરાયન,દક્ષિણાયન.આ ઉપરથી એમ કહેવાય કે નારાયણ એટલે ઇશ્વર તરફ જવું અથવા ઇશ્વર પરાયણ થવું કે સાચા વૈષ્ણવ બનવું.અર્થાત નારાયણ એટલે કોઇ વ્યકિત નહીં પણ જીવન જીવવાની એક પદ્ધતિ એમ સમજવાનું છે.
કથા એટલે ?
કથા એટલે કોઇ અમુક વિશય અંગે જે કહેવાયું છે તે.
આમ આપણા જીવન દરમિયાન ઇશ્વર તરફ જવા માટે, સાચા વૈષ્ણવ કઇ રીતે થવું એ અંગે જે કહેવામાં આવ્યું છે તે જ સત્યનારાયણની કથા. પરંતુ આ કથાને કેવળ કથા નહીં પણ એક વ્રત તરીકે સમજીએ તો જ સાચા વૈષ્ણવ થવાય. વ્રત એટલે સ્વૈછિક રીતે મનને શિસ્તબદ્ધ કરવા અમુક ચોકકસ નિયમોનું પાલન કરવાનો મનસુબો. પહેલા અધ્યાયના પહેલા વાકયમાં જ આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ કયું વ્રત કરવાથી એટલે કે કયા નિયમોનું પાલન કરવાથી વાંછિત ફળ મળે છે એ અંગે સમજાવવા સૂત મુનિને વિનંતી કરી છે. અને તેના જવાબમાં સૂત મુનીએ દ્રષ્ટંાત રૂપી ચાર કથાઓ કહીને સાચા વૈષ્ણવ કેમ થવું તે સમજાવવાનો જે પયત્ન કર્યો છે તે છે સત્યનારાયણની કથા.
અધ્યાય પહેલો
આ અધ્યાયમાં,અધ્યાય બે થી પાંચમાં બતાવેલા નિયમો કોણે પાળવા તે અંગે થોડી માહિતી આપતા કહયું છે કે આ નિયમો પાળવામાં વર્ણ, જાતિ કે સમયની કોઇ જ બાધા નથી.અર્થાત ઇશ્વરાભિમુખ થવાની ઇચ્છા વાળી હરેક વ્યકિતએ આ નિયમો હંમેશા પાળવા જોઇએ. કયારે પાળવા તે અંગે વધારામાં ભાર મુકીને એમ કહયું કે આ કથા ખાસ કરીને સંધિ કાળે કરવી.સંધિ કાળ એટલે શું ? બે વિરૂદ્ધ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે લેવાતો વચગાળાનો માર્ગ. એટલે જયારે મનમાં દ્વિધા ઉત્પન થાય ત્યારે આ કથામાં વર્ણવેલા નિયમો પાળવાથી જરૂર સમાધાન થશે.અને કેવી રીતે પાળવા એ અંગે કહયું કે
પ્રસાદમાં વપરાતી બધી સામગ્રીનું પ્રમાણ સવા ઘણું રાખવું. અહીં પ્રસાદના બે અર્થ છે.ભગવાન તરફથી આપણને મળે તે પ્રસાદ એટલે ભગવાનની મહેરબાની અને આપણે ભગવાનને જે અર્પણ કરીએ તે પ્રસાદ એટલે નૈવેદ્ય અથવા આપણે વ્રતની સફળતા માટે કરેલી મહેનત.પોતાની મહેનત વિના ઇશ્વરની મહેરબાની માટે આશા રાખવી એ સાચા વૈષ્ણવનું લક્ષણ નથી.અને એટલે જ અહીં કહયું કે નૈવેદ્યનું પ્રમાણ, અર્થાત મહેનત, સવા ઘણી કરવી એમાં જરાપણ કચાશ કે આળસ ન રાખવી.વળી આપણી મહેનતથી મળેલી પ્રભુની પ્રસાદીનો લાભ બીજાને જરૂર આપવો,એટ્લે કે પ્રસાદ વહેચવો. હવે આ નિયમો અંગે વિચારીએ.
અધ્યાય બીજો
આ અધ્યાય વાંચતા ત્રણ નિયમો નજર સમક્ષ તરી આવે છે.એક એ કે ભીખ માંગીને પરતંત્ર જીવન જીવવા કરતા દરેક વ્યકિતએ સ્વાવલંબી બની સ્વતંત્ર જીવન જીવતા શીખવું જોઇએ. ભીખ માંગવી એટલે પર ધનનો સ્વિકાર કરવો. અને સાચો વૈષ્ણવતો તે જ કહેવાય કે જે “પરધન નવ ઝાલે હાથ રે” શતાનંદ બ્રાહ્મણના ઉદાહરણથી આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અને કઠિયારાના ઉદાહરણથી એમ સમજયાવ્યંુ છે કે કેવળ ગધ્ધા વૈતરૂં કરવાથી પણ કાંઇ વળતું નથી. જે કાંઇ કરીએ તેમાં બુદ્ધિનો ઉપયોગ આવશ્યક છે જ. કઠિયારો જો પહેલેથી જ આળસ કર્યાં વગર ધનિક લત્તામાં લાકડા વેચવા નિકળ્યો હોત તો ધન પ્રાપ્તિમાં સરળતા થઇ હોત.પણ સૌથી મુદ્દાનો નિયમ તો એ છે કે કોઇએ પણ મનમાં ઉચ નીચનો ભેદ ન રાખવો. એટલે જ આ અધ્યાયમાં બ્રાહ્મણ અને શૂદ્રનો સુમેળ કર્યો છે. કથા જેવા શુભ અને પવિત્ર પ્રસંગે પણ બ્રાહ્મણે કઠિયારાને આવકાર્યો છે. આ અધ્યાયમાં સદવર્તન ઉપર ભાર મુકવામાં આવ્યો છે.
અધ્યાય ત્રીજો અને ચોથો
આ બે અધ્યાયમાં સત્ય વાણિ અને સદ વિચાર ઉપર ભાર મુકાયો છે. સાધુ વાણિયો કે તકસાધુ વાણિયો પોતાનું કામ કઢાવી લેવા ભગવાનને પણ છેતરવાનો પ્રયત્ન કરે છે. જુઠું વચન આપી પોતાની મતલબ માટે પોતાની પત્નિને ઉઠા ભણાવે છે. સાચો વૈષ્ણવ તો ” જિહ્વા થકી અસત્યન બોલે ” અને “મોહ માયા વ્યાપે નહી જેને” પણ વાણિયાથી તો એની સંપત્તિનો મોહ છુટતો જ નથી એટલે તે યતિના વેશમાં આવેલા નારાયણને પણ ઉઠા ભણાવે છે. વળી કલાવતિના ઉદાહરણથી એમ સમજાવ્યું છે કે જયાં સુધી વ્રત પાલનમાં સફળતા ન મળે, ( પ્રભુની પસાદ્દી,મહેરબાની)ન મળે, ત્યાં સુધી એ વ્રતનો ત્યાગ ન કરવો. એટલે કે આરંભેલું કામ અધુરૂં ન છોડવું. આગળ કહયું તેમ મહેનત તો સવા ઘણી કરવી તો જ મહેરબાની મળે આપણે ગુજરાતીઓને તો કાછીયા કે મોદી કને થોડું નમતું જોખાવવાની ટેવ છે તો નારાયણને નૈવેદ્ય ધરાવવામાં આપણે પણ નમતું જોખતાં શિખવું જોઇએ ને ? આ નમતું જોખવું એટલે સવા ઘણું કરવું એમ કહેવાય. આ અધ્યાયમાં પણ બ્રાહ્મણ, વૈષ્ય અને ક્ષત્રીયના એક બીજા પ્રત્યેના વ્યહવારનું વર્ણન કરી ઉચ નીચ વચ્ચેનો ભેદ દૂર કરવા કહયું છે.આ અધ્યાયમાં વાણિ અને વર્તન ઉપર ખાસ ભાર મુકાયો છે.
અધ્યાય પાંચમો?
આ અધ્યાયમાં વિચાર અને વર્તન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. રાજા અંગધ્વજ ગોવળીયાઓ સાથે અભિમાન યુકત વર્તન કરી પ્રસાદની અવગણના કરે છે. સાચો વૈષ્ણવતો “મન અભિમાન ન આણે રે” અંગધ્વજના અભિમાનનું મુખ્ય કારણ તેના મનમાં રહેલો ઉચ નીચનો ભેદ છે. તેને મનમાં થયું હશે કે “હું આ ગમાર ગોવાળીયાઓનું રક્ષણ કરનાર રાજા છું તો એમનો આપેલો પ્રસાદ હું કેમ લઇ શકું.” અભિમાન એટલે જ અહંભાવ અને જયાં સુધી મનમાં અહંભાવ હોય ત્યાં સુધી ઇશ્વરાભિમુખ થવું અઘરૂં છે.
કથાનો સાર
આ કથાનો સાર તો એટલો જ છે કે જેને ઇશ્વરાભિમુખ થવાની ઇચ્છા હોય તેણે આ કથામાં વર્ણવેલા બધા જ નિયમોનું સતત અને શિસ્ત પૂર્વક પાલન કરવું. આ નિયમો ફરીથી નીચે ટાંકયા છે.
૧. મનમાં ઉચ નીચનો ભેદ ન રાખો.
૨. સ્વાવલંબી બની સવા ઘણી મહેનત કરો.
૩. તમારી મહેનતથી જે ફળ પાપ્ત થાય તેની વહેંચણી કરતા શિખો.
૪. આરંભેલું કામ અધુરૂં ન મુકો.
૫. મનમાં અભિમાન ન રાખો.
૬. વાણી, વર્તન અને વિચારમાં સદભાવ રાખો.
૭. આ નિયમોનું સતત પાલન કરો એટલે કે તેને જીવનમાં વણી લો.

આટલા નિયમો જે પાળે તેનું જીવન સુખમય જ રહેને ?
આ છે આ ક્થાના ” સાત કમાન્ડમેન્ટસ”

જૂન 5, 2007 at 6:33 પી એમ(pm) 3 comments

” કાચના વાસણ “

” કાચના વાસણ ”

જુઓ સોહે વાસણ કાચના
વળી કરે અતિ મધુર રણકાર
પણ છુટે જો તે હાથથી તો
રહે કેવળ મૂલ્યહીન ભંગાર.

ભલે ન સોહે વાસણ ધાતુનાં
‘ને હોયે ગોબા તેમાં બે ચાર
છતાં લાગે કામ તે રાંધવા
‘ને ઉપજે પૈસા થતાં ભંગાર.

જો હશે તમ મન કાચ સમ
તો નહીં લાગે નંદવાતાં વાર
વળી સહુ જન તમને ટાળશે
‘ને રહેશે દૂર મિત્ર પરિવાર.

પણ કરી મન તમ ધાતુ સમ
સહેશો
કટુ વાણી,વર્તન ‘ને વિચાર
તો રહેશે જીવન હળવું અને
તમારો થશે જરૂર બધે સત્કાર.

જૂન 5, 2007 at 1:16 એ એમ (am) 1 comment


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

જૂન 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Blog Stats

  • 35,293 hits