Archive for જૂન, 2007

” બે મિનારા “

” બે મિનારા ”

ઉન્નત મસ્તકે ઉભા હતા બે મિનારા
શોભાવતાં જાણે ન્યુયોર્ક તણા કિનારા.

હતો નિજ મન માંહે ઘમંડ અતિ ભારી
છે શકિત કહો કોની મીટાવે હસ્તી અમારી.

જેમ ગર્વિત બની બાષ્પ ઊંચે ચઢે છે
પણ વર્ષા બની તે જરૂર નીચે પડે છે,

તેમ ગર્વિત થઇ જે શીર ઊંચુ કરે છે
તેને જરૂર કદી નીચા નમવું પડે છે.

જુઓ આવો જ છે નિયમ આ દુનિયાનો
તોડી ગયા એ મિનારા,આવી બે વિમાનો.

જુઓ થયા ભ્રષ્ટ બધે બધા રાજતંત્ર
ન હવા ન પાણી ન રહયું કશુંએ પવિત્ર.

લાગે,ન રહયું જગતમાં કોઇનું કોઇ મિત્ર
કેવું અશુભ ભાસે ભાવિ દુનિયાનું ચિત્ર.

જૂન 29, 2007 at 3:49 એ એમ (am) Leave a comment

” જરા હસો “

” જરા હસો ”
અન્ન હોય બે પ્રકારના, ભાઇ કાન ધરી ને સુણ
એક કરે ગુણ દેહને, બીજો કરે દેહની ગૂણ

જૂન 27, 2007 at 2:30 પી એમ(pm) 3 comments

Renunciation is the background of all religious thought, wherever it may be, and you will always find that as this idea of renunciation lessens, the more will senses creep into the field of religion and spirituality will decrease in the same ratio.

Swami Vivekanand

i.e Spirituality= renunciation
Religion

જૂન 27, 2007 at 12:33 પી એમ(pm) Leave a comment

” ૐ સહનાવવતુ “

ૐ સહનાવવતુ સહ નૌ ભુનકતુ સહ વીર્યમ્ કરવાવહૈ
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

હિન્દુ સમાજમાં અતિ પ્રચલીત આ મંત્ર કઢોપનિષદ અને શ્વેતાશ્વતર ઉપનિષદનો શાન્તિ મંત્ર છે.
આ શ્લોકનો સાચો અર્થ એની સંધિ છુટી પાડી એક પછી એક વાકય તપાસીએ તો બરોબર સમજાય. સંધિ નીચે પ્રમાણે છોડી શકાય છે.
ૐ સહ નૌ અવતુ, સહ નૌ ભુનકતુ, સહ વીર્યમ્ કરવા વહૈ, તેજસ્વિ નૌ અવધિતમ્ અસ્તુ, મા વિદ્વિષાવહૈ,
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
હવે દરેક શબ્દનો અર્થ જોઇએ.
સહ =એક સાથે, નૌ = અમારા બેઉનું, અવતુ = રક્ષણ કરો, ભુનકતુ = પાલન કરો, વીર્યમ્ = કામ કરવાની શકિત અવધિતમ્ = અમારૂં શીખેલું = અમારૂં શીક્ષણ, અસ્તુ – થાઓ
મા =ન કરીએ, વિદ્વિષાવહૈ = વિખવાદ.
શ્લોકનો અર્થ છે
હે ઇશ્વર, અમારા બેઉનું એક સાથે રક્ષણ કરો,અમારા બેઉનું એક સાથે પાલન કરો, અમને બેઉને એક સાથે હળી મળીને કામ કરવાની શકિત આપો, અમારૂં શિક્ષણ અમને બેઉને તેજસ્વિ બનાવે અને અમે એક બીજા પ્રત્યે દ્વેષભાવ ન રાખીએ અર્થાત વિખવાદન કરીએ તો જ અમારા જીવનમાં શાન્તિ થશે.
હવે પ્રશ્ન એ છે કે “નૌ” એટલે કે અમે બેઉ,તો કયા બેઉની વાત છે. પ્રચલીત રીતે ‘નૌ’ એટલે ગુરૂ અને શિશ્ય એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ મને એમ લાગે છે કે આ અર્થ સાચો ભલે ગણાય યોગ્ય નહી કરણ કે તે સીમિત છે.જયારે હું આ મંત્ર બોલું ત્યારે મનમાં વિચાર આવે કે હું નથી કોઇનો ગુરૂ કે નથી કોઇનો શિશ્ય તો આ મંત્ર બોલવાનો મને અધિકાર છે ખરો ? પરંતુ જો ‘નૌ’ ને જરા વધારે બહોળા અર્થમાં જોઇએ તો સમજાશે કે ‘નૌ’ અમે બેઉ એટલે હું અને બીજી કોઇ વ્યકિત, કે વ્યકિતઓનો સમુહ દા.ત. હું અને મારી પત્નિ અગર હું અને મારૂં કુટુંબ કે હું અને મારા મિત્રો.અર્થાત એક તરફ હું અને બીજી તરફ આખો સંસાર.
આ મંત્રમાં યાચક ઇશ્વરને પ્રાર્થના કરે છે કે તું અમારા બેઉનું રક્ષણ અને પાલન કર, તો શાનાથી રક્ષણ કરવાનું અને કેવી રીતે પાલન કરવાનું કહે છે. યાચક જાણે છે કે જીવનની બરબાદીનું મુખ્ય કારણ છે એક બીજા પત્યેનો દ્વેષ અને વિખવાદ. દ્વેષને કારણે જ વ્યકિતઓ એક બીજાથી દૂર રહેવા પ્રેરાય છે. અને નીકટ આવતાં જ વિખવાદ શરૂ થાય છે.અને એટલા માટે જ યાચક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમે એક બીજાનો દ્વેષ ન કરીએ અને હળી મળીને કર્મો કરતા રહીએ એવી શકિત આપ. પરંતુ આવી શકિત તો તો જ મળે કે જયારે આપણે આપણું શિખેલું અને અનુભવેલું બધું જ મન અને બુદ્ધિથી પચાવીએ. તો જ આવા વર્તનની અપેક્ષા રાખી શકાય.અને તેથી જ યાચક કહે છે કે અમે અમારી શિખેલી વિદ્યાથી તેજસ્વિ થઇએ એવું કર. જે યાચક નીચે દર્શાવેલી આ ત્રણ પ્રકારની વૃત્તિ રાખી વર્તનમાં મુકે તેનું રક્ષણ અને પાલન થયા વગર કદી ન રહે.
૧) દ્વેષ ટાળવાની વૃત્તિ
૨) સહકાર આપવાની વૃત્તિ
૩) જે કાંઇ શિખીએ તેનો મન અને બુદ્ધિથી અર્થાત વિચાર અને વિવેકથી ઉપયોગ કરવાની વૃત્તિ

જો જરા વધારે ઊંડાણમાં ઉતરીએ તો’નૌ’ નો અર્થ છે મન અને બુદ્ધિ થાય. આમ કહેવાનું મારું કારણ જો તમે શ્વેતાશ્વતર ઉપનિષદના બીજા અધ્યાનો પહેલો શ્લોક વાંચશો તો બરોબર સમજાશે જેમાં આ પ્રમાણે કહયું છે.
યુજજાનઃ પ્રથમં મનસ્તત્વાય સવિતા ધિયઃ
અગ્નેઃજયોતિઃ નિચ્ચાય પૃથિવ્યા અધ્યાભરત
અર્થ કાંઇક આવો છે
હે સવિતા દેવ, સહુ પ્રથમ, તત્ત્વની પ્રાપ્તિ માટે, અમારા મન અને બુદ્ધિને પાર્થીવ પદાર્થોમાંથી ઉપાડી અમારા દિવ્ય સ્વરુપ સાથે જોડે.
(મારું સંકૃત ભાષાનું જ્ઞાન બહુ સીમીત છે એટલે આ શ્લોકનો શબ્દસહ અનુવાદ કરી શકયો
નથી આ કેવલ ભાવાર્થ જ છે. કોઇ સંકૃત વિશારદ મદદ કરશે તો જરુર આનંદ થશે )
ભલે આપણને તત્ત્વની પ્રાપ્તિન થાય પરંતુ મન અને બુદ્ધિની હાલત ઉપર જ વ્યકિતના જીવનની હાલતનો આધાર છે ને ? એટલે જયારે આ શ્લોક બોલતાં હોઇએ ત્યારે ‘ હે પ્રભુ મારા મન અને બુદ્ધિ એક બીજા સાથે સહકાર રાખી લાગણી અને વિવેકથી વર્તે એવું કરજે એવી ભાવનાથી બોલાય તો જીવનમાં શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ નો અનુભવ થાય.
મને તો લાગે છે કે જો આપણે મન અને બુદ્ધિની કાર્યવાહી સમજી લઇએ તો આ શ્લોકનો અર્થ વધારે ચોખવટથી સમજાશે.
મન એટલે શું ? શંકા કરે તે મન
અને બુદ્ધિ એટલે શું ? શંકાનું નિવારણ કરે તે બુદ્ધિ
દા.ત. ઉષ્ણતામાનમાં બહુ જ ઓછા તફાવત વાળી બે વસ્તુ લઇએ તો પહેલી દૃષ્ટિએ મન કહેશે કે એ બન્ને વસ્તુઓનું ઉષ્ણતામાન સરખું જ છે,પણ તરત જ તેને શંકા થશે કે તેમ ન હોય તો? અને તરત જ બુદ્ધિ મનની આ શંકાનું નિરાકરણ કરવા થર્મોમીટર લઇને દોડી આવશે .મનુષ્યનો વિકાસ મન અને બુદ્ધિના આવા સહકારથી જ થતો રહે છે.
જેની શંકા શકિત અને નિરાકરણ શકિત સરખાં હોય તે માણસ સ્થાપીત બુદ્ધિ વાળો કહેવાય.
જેની શંકા શકિત નિરાકરણ શકિત કરતાં વધારે હોય તે માણસ દોલાચલ ચીત્તવૃત્તિ વાળો કહેવાય.
જેનામાં નિરાકરણ કરવાની શકિતનો સંપૂર્ણ અભાવ હોય તે મૂર્ખ કહેવાય.
અને જેની બુદ્ધિએ બધી જ શંકાઓનું નિરાકરણ કર્યું હોય તેને જ્ઞાની કહેવાય. એટલે આ પ્રમાણે જોતાં
“નૌ”નો યોગ્ય અર્થ છે મન અને બુદ્ધિ.
ઇતિ

જૂન 25, 2007 at 1:31 એ એમ (am) Leave a comment

” ચંદ્ર વિશે “

” ચંદ્ર વિશે ”

ગિરીશ ઉવાચ

કેવી સુંદર અને રૂપાળી લાગે છે જુઓ આ ચાંદની રાત
ભાઇ આર્મસ્ટ્રોંગ તું ત્યાં જઇ આવ્યો તો કહે ચંદ્રની વાત.

આર્મસ્ટ્રોંગ ઊવાચ

લાગે દૂરથી ડુંગરા રળિયામણા એ વાત છે સાવ સાચી
એ ચંદ્રની એક બાજુ છે ગરમી બીજી બાજુ છે ઠંડી ખાસી.

એક તરફ આંખો આંજે એવું અતિશય છે અજવાળું
બીજી બાજુ હાથ ખુદનો ન ભાસે, છે એવું ઘાડ અંધારૂં.

શ્વાસ લેવા ન મળે હવા, પીવા ન મળે છાંટો એ પાણી
ખાવાની તો વાત જ ન કરવી ન મળે મમરા કે ધાણી.

કૂદકો મેલો આ ધરા ‘પર તો પાંચ ફૂટ જઇ પડો પાછા
કૂદકો મેલો ચાંદા ઉપર તો પચાસ ફૂટ પડી તોડો ટાંગા.

ચંદ્ર ઉપર જઇ જોયું મેં તો લાગી ધરતી અતિ રૂપાળી
તેથી અહીં હું આવ્યો પાછો ગાળવા શેષ જીદગી મારી.

ગિરીશ ઉવાચ

સૂણી લીધી, તેં જે કીધી, એ મોહક ચંદ્રની વાત
ભાગ્યશાળી હું છું કેવો કે વિતાવું અહીં દિવસને રાત.

ચંદ્ર ઉપર મેં લખી કવિતા માણી દૂરથી એનો પ્રકાશ
પણ ચંદ્ર ઉપર જઇ તે લખવાની નથી ઇચ્છા કે આશ.

જૂન 20, 2007 at 9:17 પી એમ(pm) 1 comment

” બાળકૃષ્ણ દર્શન “

” બાળકૃષ્ણ દર્શન ”

પરજન્ય થયો ‘ને ધરા હરખાઇ
લાગે હરિયાળા વન ઉપવન,
પુલકિત થયાં સહુ નર ‘ને નારી
લાગ્યાં મયૂર કરવા નર્તન.

લચ્યાં ફળ ફૂલે છે વૃક્ષ ‘ને વેલા
લાગે અતિ મોહક નવ સર્જન,
પશુ પંખી સહુ રાચે આનંદે
થઇ હર્ષિત, કરે મધુર ગુંજન.

બાળક નાના કરે છબછબીયાં
જોઇ હરખાયે મુજ મન,
લાગે જાણે વૃન્દાવન માંહે
થઇ રહયાં બાળકૃષ્ણ દર્શન.

જૂન 19, 2007 at 11:44 એ એમ (am) Leave a comment

” હરિનો ઉપકાર “

” હરિનો ઉપકાર ”
નિહાળો શિશુ નાના, કલબલ કરી ખેલ કરતાં
ન બેસે કદી છાનાં, મન મહી ઉલ્લાસ ભરતાં.

વાગી જાએ કાંઇ, ડબ ડબ આંસુ નયને નિતરતાં
લઇ ઉછંગે પંપાળો, તો ક્ષણ મહીં બધુંયે વિસરતાં.

બોલે શબ્દો કાલાં, સરળ મનથી જે નીકળતાં
ઘૂમે ચારે બાજુ, મુકત મનથી તે વિહરતાં.

જો સતાવે શિશુ આવું, તો મન મહીં ન કદી ક્રોધ કરવો
ગણી લ્હાવો એને, શ્રી હરિ તણો ઉપકાર ગણવો.

જૂન 18, 2007 at 12:22 પી એમ(pm) Leave a comment

” દીવડો “

” દીવડો ”

કરૂં ભજન હું ,કરૂં હું દીવડો
દૂર કરવા ઉર અંધકાર,
ઉર આ મારૂં દૂર દૂર ભાગે
એને લોભાવે આ સંસાર.
એને લોભાવે આ સંસાર
મુજ ઉરમાં વસે તું, દૂર ત્યાં હસે તું
જયાં છે તારલીયાનો ચમકાર,
અણુ અણુમાં વ્યાપ્ત છે તું,
તું છે અક્ષર ૐ કાર.
તું છે અક્ષર ૐ કાર
શાને કાજે પ્રભુ તેં કીધો,
અતિ વિકટ સંસાર !
શાને કાજે મુજ ઉરને દીધો
હઠીલો આ અહંકાર !
હઠીલો આ અહંકાર.
કર જોડી પ્રભુ વિનવું હું તુંજને
વિનવું હું વારંવાર
જો દૂર કરશે અહં તું મારો
તો માનીશ તવ ઉપકાર
તો માનીશ તવ ઉપકાર.

જૂન 16, 2007 at 8:46 પી એમ(pm) Leave a comment

“થશે કેમ કરી ઉદ્ધાર “

“થશે કેમ કરી ઉદ્ધાર ”

જે ભગવા પહેરીને ભાષણ ફાડે, તેને પૂજે લોકો ગણી સંત
કરી મજુરી જે પહેરે ચીંથરા,તેની ક્ષુધાનો ન આવે કદી અંત.

કોલેજ જઇને શીક્ષણ લીધું,પણ જયાં રહે ત્યાં રાખે ગંદકી
સફાઇ કરવામાં નાનમ આણે,માને કહી જશે મને કોઇ ભંગી.

ગરજ હોય તો સમય સાચવે,નહીતો પડે અવશ્ય મોડા
પૂજા ટાણે ન દેખાએ કયાંયે,પણ પ્રસાદ ટાણે સૌથી પહેલા.

આવી આવી ઘણી કૂટેવો મારામાં પણ છે કાફી
છતાં કહું છું બોલ કડવા તેથી માગું છું સહુની માફી.

રીત રસમો ચાલી આવે છે,ન સુધર્યા આપણે તલભાર
તો કહો ભાઇઓ,આપણ સહુનો થશે કેમ કરી ઉદ્ધાર.

જૂન 15, 2007 at 9:24 પી એમ(pm) Leave a comment

“વિરાટનો રાસ”

“વિરાટનો રાસ”

આજની રાત હતી અજવાળી આઠમની
વળી હતું નિરભ્ર આકાશ.
ઉગ્યો’તો ચંાદલો શ્યામલ ગગનમાં
છાયો ધરતી ‘પર મંદ પ્રકાશ.

શશી સંગ ઘૂમતી’તી શુક્ર તારા કણી
કરતાં હશે બેઉ હ્દયાની વાત.
તારા પણ ઘૂમતાં ‘તા મંદ મંદ વેગથી
પેલા શશી અને શુક્રની સંઘાત.

લાગે વિરાટે જાણે રચ્યો આજ આભમાં
અતિ મોહક,ભવ્ય,દિવ્ય કોઇ રાસ.
ચાંદનીની ઓઢણી ઓઢીને ધરતી
જોતી હતી અનેરો એ રાસ.

ઝૂલતાં ‘તા વાયુ ને ઝૂલણે તરૂવરો
ફેલાવી ફૂલોની મઘ મઘતી સુવાસ.
શ્યામલ એ આભ તળે ઉભો હું એકલો
છાયો મુજ ઉર માંહે પૂરણ ઉલ્લાસ.

એક નાની તારલી આવી ક્ષિતીજમાં
‘ને બોલી ” મને દેખાયે ક્ષિતીજમાં રતાશ,
સાવધ થઇ જાજો તમે સહુ તારલા
આવી રહયાં નભ માંહે રવિરાજ”.

એક પછી એક,વિખરાયા સહુ તારલા
પૂર્ણ થયો વિરાટનો એ રાસ.
ને માંડી મેં મીટ જયારે જોવા ક્ષિતીજમાં
મેં તો દીઠું મનોરમ નૂતન પ્રભાત.

જૂન 14, 2007 at 8:47 પી એમ(pm) Leave a comment

Older Posts


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

જૂન 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Blog Stats

  • 35,694 hits