Archive for માર્ચ, 2007

“યુકિત અને મુકિત”

યુકિત એટલે શું અને મુકિત એટલે શું ? યુજ ધાતુમાંથી બનેલો શબ્દ છે યુકત. એનો અથ્ર છે જોડાવું અથવા ભેગા થવું. એજ પ્રમાણે મુચ ધાતુ ઉપરથી બનેલ શબ્દ છે મુકત અને તેનો અર્થ છે છુટા થવું અથવા જુદા પડવું. એક ઉદાહરણથી આ વાત બરાબર સમજાશે. હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે તત્ત્વોની યુકિત થતાં જે સંયોજન બને છે તેને પાણી કહેવાય છે. આમ જયારે બે કે બેથી વધારે તત્ત્વોની યુકિત સંયોજન થાય છે ત્યારે તેમાંથી એક કે એકથી વધારે સંયોજીત તત્ત્વો બને છે. તત્ત્વોના આવા અભ્યાસને રસાયણ શાસ્ત્ર કહેવામાં આવે છે.
યુકિતનો બીજો અર્થ છે તરકીબ અથવા જાદુ. જયારે બે તત્ત્વો ભેગાં મળી સંયોજન બનાવે છે ત્યારે મૂળતત્ત્વો પોતાના ગુણધર્મો ગુમાવે છે. જેમ કે હાઇડ્રોજન દાહ્ય વાયુ છે અને ઓકિસજન દહન પોશક વાયુ છે.પરંતુ આ બેઉનું સંયોજન થતાં આ બેઉ એક બીજાની ખૂબ જ નિકટ રહેવા છતાં હાઇડ્રોજન નથી બળી શકતો કે ઓક્સિજન નથી બાળી શકતો. બલકે તેમણે બનાવેલું સંયોજન, પાણી ,આગ સમાવે છે.વળી આ બે આદ્ર્ષ્ય વાયુ સંયોજીત થતાં દ્ર્ષ્ય પાણી બને છે આને તરકીબ નહી તો બીજું શું કહેવાય !
આજ પ્રમાણે જયારે પંચમહાભૂત મળીને દેહ બનાવે છે ત્યારે તે દેહ નથી આકશની જેમ કશું છાઇ શકતો કે નથી તે અગ્નિની જેમ કશું બાળી શકતો અગર તો પાણીની જેમ નથી કશું ભીજવી શકતો.આ પણ એક તરકીબ જ ગણાયને ? મૃત્યુ બાદ દેહના આ પાંચ તત્ત્વોનું વિભાજન થતાં દેહની મુકિત થાય છે. ખરૂં જોતાંતો આ પાંચ તત્ત્વો જ (આકાશ, અગ્નિ, વાયુ,પાણી અને પૃથ્વિ) એક બીજાથી મુકત થાય છે. દેહનો તો કેવળ વિલય જ થાય છે. આમ દેહની મુકિત તો સમજી શકાય છે પણ જેને આપણે મોક્ષ એટલે કે જીવાત્માની મુકિત કહીએ છીએ તે શું છે ? મોક્ષ એટલે જીવન મૃત્યુના આવાગમનમંાથી મુકિત. જીવાત્માની મુકિત સમજવા માટે તે કયા મૂળ તત્ત્વોનો બનેલો છે તે જાણવું અતિ આવશ્યક છે. જીવાત્મા નીચે દર્શાવેલા ત્રણ ઘટકોનો ,તત્ત્વોનો,બનેલો છે.
૧. દેહ એટલે કે પંચમહાભૂતનું મિશ્રણ
૨. મન એટલે કે વાસનાઓનું મિશ્રણ અને
૩. ચિત્ત એટલે કે સંસ્કારોનું મિશ્રણ અને આ ત્રણે ઘટકોને જોડતી શકિત એટલે ચૈતન્ય.
રસાયણ શાસ્ત્રના નિયમોનુસાર પાણીનું સમીકરણ નીચે પ્રમાણે લખાય છે.
2H2+02= 2H20
તે જ પ્રમાણે આધ્યાત્મ શાસ્ત્રના નિયમાનુસાર આપણે જીવનનું સમીકરણ નીચે પમાણે લખી શકીએ.
ચૈતન્ય+જીવન શ દ્દેહ+મન+ચિત્ત+ચૈતન્ય
આ સમિકરણ જોતાં સમજાશે કે એમાં વપરાયેલ ચૈતન્ય તત્ત્વમાં કશો ફેર પડતો નથી.તે તો કેવળ ઉદિ્પકનો જ ભાગ ભજવે છે.અર્થાત તે તો નીર્લેપ રહે છે. એનો અર્થ એ થયો કે જેમ પાણીમાં હાઇડ્રોજન અને ઓકિસજન છુપાયેલા છે તેમજ દેહમાં પંચ મહાભૂત,મનમાં વાસના અને ચિત્તમાં સંસ્કાર, છુપાઇ રહે છે. જયારે પંચમહાભૂત છૂટા પડી દેહમાંથી ચાલ્યા જાય છે ત્યારે દેહની મુકિત થાય છે.અને તેજ રીતે જયારે મનમાંથી વાસનઓ અને ચિત્તમાંથી અહંકાર ચાલ્યાં જાય છે ત્યારે મન અને ચિત્તની મુકિત થાય છે. ત્યારે જ જીવાત્માને સાચી મુકિત મળે છે.

છેદી ન શકે શસ્ત્રો જેને, ન બાળે અગ્નિ જેને કદી
ભીંજવે ન પાણી જેને ,ન સૂકાય વાયુથી જે કદી
અજર અમર એવો આ આત્મા,
કહો શાને બંધાયે વાસનાઓ થકી !

એક નોંધ

જન્મ એટલે વ્યકત સિ્થતી અને મૃત્યુ એટલે અવ્યકત સિ્થતી
જયારે વસ્તુ વ્યકત થાય છે અથા્રત તેને વ્યકિતત્વ સાંપડે છે
ત્યારે તેનો જન્મ થયો એમ કહેવાય છે. અને જયારે તે અવ્યકત
થઇ જાય છે અથા્રત તેનું વ્કિતત્વ રહેતું નથી ત્યારે તેનું મૃત્યુ થયું
એમ કહેવાય છે.

” અવ્યકતાદ્દીનિ ભૂતાનિ વ્યકત મધ્યાનિ ભારત
અવ્યકતનિધનાન્યેવ તત્ર કા પરિદેવના”
આ લખતાં લખતાં મનમાં વિચાર આવ્યો કે
પદાર્થ હંમેશા વ્યક્ત હોય છે અને શક્તિ હંમેશા
આવ્યક્ત રહે છે તો શું આ શ્લોકમાં ” કોન્સસર્વેશન
ઓફ માસ એન્ડ એનર્જી “ના નિયમ પ્રત્યે ઇશારો
કરાયો હશે ? તમે કોઇ આ અંગે પ્રતિભાવ પાડશો
તો આનંદ થશે

માર્ચ 10, 2007 at 1:23 એ એમ (am) 1 comment

“જયાં જયાં — ત્યાં ત્યાં”

“જયાં જયાં — ત્યાં ત્યાં”

જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત,
જયાં જયાં હોય એક મતાન્ધી, ત્યાં ત્યાં સદા થાય તકરાર.

જયાં જયાં હોય લોકો લોભી, ત્યાં ત્યાં હોય ધૂર્ત પરિવાર,
જયાં જયાં વસે અંધશ્રધ્ધાળુ, ત્યાં ત્યાં થાય છે ભષ્ટાચાર.

જયાં જયાં હોય લોકો નિર્બળ, ત્યાં ત્યાં થાયે અત્યાચાર,
જયાં જયાં હોયે લોકો દંભી, ત્યાં ત્યાં દેખાયે મિથ્યાચાર.

જયાં જયાં લોકો હોય પ્રમાદી, ત્યાં ત્યાં સદા થાયે ગંદવાડ,
જયાં જયાં હોય લોકો આળસુ, ત્યાં ત્યાં દરિદ્રતા પારાવાર.

માર્ચ 9, 2007 at 1:40 એ એમ (am) 1 comment

” સ્વઇચ્છા”

” સ્વઇચ્છા”

હર હૈયામાં સદા વસે છે
કંઇ ઘૃણા, કંઇ પ્રેમ.
વળી વસે હર હૈયામંાહે
કંઇ શ્રદ્ધા કંઇ વહેમ.

સ્વઇચ્છાથી ત્યજી શકાય ઘૃણા
કે રાખી શકાય મન મહીં પ્રેમ.
સ્વઇચ્છાથી સંઘરાય શ્રદ્ધા
અને ટાળી શકાય છે વહેમ.

મધપૂડો મીઠો કરવા કાજે
માંખી સંઘરે મધને જેમ.
તેમ જ કરવા જીવન મધુરૂં
સંઘરવા શ્રદ્ધા ‘ને પ્રેમ.

માર્ચ 7, 2007 at 10:42 પી એમ(pm) 1 comment

વ્યક્તાવ્યક્ત

વ્યક્તાવ્યક્ત
વ્યક્ત અને અતિ મોહક છે, પ્રભુ તારી આ કૃતિ
અવ્યક્ત તેના કણ કણમાં છુપાઇ તારી આકૃતિ.
વ્યક્તની કરવી સેવા, કરવી પૂજા અવ્યક્તની
સમજાય જો વાત આ, તો થાયે મનની જાગૃતિ.

માર્ચ 7, 2007 at 10:27 પી એમ(pm) Leave a comment

હાયકુ

હાયકુ

દ્વૈત પકૃતિ
અદ્વૈત પુરૂષ છે
દ્વિધામાં મન

કીધેલી ઇચ્છા
જો સફળ ન થઇ
ઉદાસી મન

લલના ગોરી
વળી દેહ રૂપાળો
મોહિત મન

જો અભિમાની
માનભંગ થાય તો
ક્રોધિત મન

સ્વજન જતાં
લાગે એકલવાયું
દુઃખીત મન

વરસી વર્ષા
‘ને થઇ હરીયાળી
હર્ષિત મન

ચામડી ભલે
હોય કાળી કે ગોરી
રુધિર લાલ

છે નબળાઇ
તન મહીં તો જાણો
તેને અશકિત

છે નબળાઇ
મન મહીં તો જાણો
તેને આસકિત

દ્રષ્ય અદ્રષ્ય
સ્થળ કાળ ‘ને ગતિ
પૂર્ણ સંસાર

જન્મ જીવન
જરા વ્યાધિ ‘ને મૃત્યુ
પૂર્ણ જીવન

જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી

હારી ગયા છો
હાર સ્વિકારી લેજો
ભૂલો સુધારી

બાળક હસે
થાયે મન માતાનું
હર્ષ વિભોર

કલપ કેશે
કીધો છતાં મુખડું
ખાયે છે ચાડી

તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ઓછું

પંાચ સાત ‘ને
પંાચ અક્ષરો વડે
બને હાયકુ

લીખું હાયકુ ?
આતા નહીં લીખના
લીખું કાયકુ ?

રચયિતા છે
આ સર્વ હાયકુના
જી.ડી.દેસાઇ

માર્ચ 6, 2007 at 10:45 પી એમ(pm) 4 comments

‘વિચાર’

‘વિચાર’

” અહમ્ ”
કહો કોણે બનાવ્યા ડૂંગરા,’ને કોણે બનાવ્યું ગગન !
શાને ચમકે છે વિજળી, ‘ને શાને ફૂંકાયે પવન !
કહો કોણે બનાવ્યો આ દેહ મારો, કોણે દીધું આ જીવન !
કયાંથી આવે છે હાસ્ય એમાં, કહો કયાંથી આવે છે રૂદન !
કોણે દીધી આ બુદ્ધિ મુજને, કહો કોણે દીધું છે આ મન !
જેમાં વસે સહુ શત્રુ મારા,વસે એમાં વળી મારા સ્વજન.
જેણે બનાવી આ સૃષ્ટિ સારી, કહો તે શાને છુપાવે વદન !
ભૂલ શું કીધી એણે કોઇ ? જેની લાગે છે એને શરમ ?
ભૂલ ન કીધી એણે કોઇ,ન રાખો કાંઇ મનમાં ભરમ
નીરખવા જો ચાહો એને,તો દૂર કરજો ભાઇ મનનો અહમ્
કહો કોણે બનાવ્યા ડૂંગરા,’ને કોણે બનાવ્યું ગગન !

માર્ચ 6, 2007 at 10:20 પી એમ(pm) Leave a comment

પારિજાત

પારિજાત

આવી દિવાળી,આસો તણી અમાસ
છાયાં હતા ચારેકોર અંધારા.
કરી દૃષ્ટિ ઊંચી મેં જોયું જયારે
દીઠા નભમાંહે મેં ચમકતા સિતારા.

પ્રભાત થયું ‘ને રવિરાજ આવ્યા
ગભરાઇ ભાગ્યા એ સઘળાં સિતારા.
‘ને ભાગી ન શકયાં જે અતિ ત્વરાથી
તે ખર્યાં બની પારિજાત પુષ્પો રૂપાળાં.

ભરી,રવિ કિરણની રતાશ દાંડીઓમાં
ખર્યાં એ તારલા બની શ્વેત પુષ્પો.
અને હેતે વધાવી તેને મા ધરાએ
ભરી તે સહુમાં કાંઇ અનેરી ખુશબો.

ફરી ન કહેશો કદી કોઇ મુજને કે
ન આવે હાથમાં નભના એ સિતારા.
જુઓ જે ચમક હતા આભ માંહે તે
મઘમઘી રહયાં કરમાં આજ મારા.

માર્ચ 6, 2007 at 2:10 પી એમ(pm) Leave a comment

“આત્માનો છાંયો”

“આત્માનો છાંયો”

ચાલતા ચાલતા રસ્તે એકદિ, જોઇ મારો પડછાયો
ન જાણંુ, અચાનક કયાંથી વિચાર મનમાં આવ્યો

જેને હું કહું છું મારો, તે તો છે આ તનનો છાંયો
જો હું તન નથી પણ આ તન છે મારૂં
તો કોણ હું ? ‘ને તે કયાંથી અહીં આવ્યો ?

ભવ ભવના અનુભવ પછી પણ,ન થયો જેનો છુટકારો
અભાગી એવા કોઇ આત્માનો, હશે શું આ તન છાંયો ?

ભૂમિ ઉપર ભાળું હું જેને, તે નથી મારો પડછાયો પણ
ભવ ભવથી ભટકતા આત્માની છાયાનો એ છે છાંયો.

માર્ચ 5, 2007 at 10:48 પી એમ(pm) Leave a comment

ગુરૂ દક્ષિણા

પરા પૂર્વથી ચાલી આવેલી અનેક પ્રણાલિકાઓમાંની એક છે ગુરૂ દક્ષિણા. દરેક પ્રણાલિકામાં સમયના વહેણ સાથે ફેરફાર થતો જ રહે છે અને ગુરૂ દક્ષિણાની બાબતમાં પણ આમ જ બન્યું તેમાં નવાઇ નથી. દક્ષિણાનો સાચો અર્થ શું ? તેનું સાચું સ્વરૂપ કેવું ? એ અંગેના વિચારોમાં ધરખમ ફેરફાર થયેલા જણાય છે.ગુજરાત વિદ્યાપીઠના શબ્દકોશ પ્રમાણે દક્ષિણાનો અર્થ છે – ધાર્મિક ક્રિયાને અંતે બાહ્મણને અપાતું દાન અગર ભેટ -પરંતુ ગુરૂ દક્ષિણાની બાબતમાં આ બેમાંથી એક પણ અર્થ મને ઉચિત નથી લાગતો. કારણ કે દાન આપનાર તો ગુરૂ છે શિષ્ય નહી.ગુરૂ શિષ્યને વિદ્યાનું દાન આપે છે, શિષ્યતો લેનાર છે આપનાર નહીં.વળી ભેટ એટલે તો મૂલ્ય લીધા વગર આપેલી વસ્તુ.ગુરૂએ આપેલી અમૂલ્ય વિદ્યાનું ઋણ કોઇ પાર્થિવ વસ્તુથી ચૂકવાય ખરૂં ?
દક્ષિણાનો સાચો અર્થ સમજવા એની વ્યુત્પત્તિ તપાસવી જરૂરી છે. દક્ષ ધાતુ ઉપરથી દિક્ષા અને દક્ષિણા આ બે અગત્યના શબ્દો બન્યા છે. દક્ષ એટલે કાબેલ,પારંગત કે હોંશયિાર.ગુરૂ જયારે શિષ્યને વિદ્યાનું દાન આપી તેને કાબેલ કે હોંશિયાર બનાવવાનું વચન આપે છે ત્યારે ગુરૂએ શિષ્યને દિક્ષા આપી એમ કહેવાય છે. દિક્ષા આપી ગુરૂ શિષ્યને અપનાવે છે. અને વિદ્યા પ્રાપ્તિને અંતે શિષ્ય ગુરૂના આ ઋણથી મુકત થવા,ગુરૂના ચરણોમાં સાચા ભકિત ભાવથી જે કાંઇ મૂકે તેને દક્ષિણા કહેવાય. સાચા ગુરૂ કદિ દક્ષિણા માગતા નથી અને સાચો શિષ્ય દક્ષિણા આપ્યા વગર રહેતો નથી. ગુરૂ દક્ષિણાની સાચી વ્યાખ્યા તો ગીતામાં શ્રીકૃષ્ણએ ખૂબ સુંદર રીતે આપી છે.
पत्रं पुश्पं फलं तोयं यो मे भक्त्या प्रय्च्छति
तद अहं भकत्युपहतम अश्नामि प्रतात्मनः ९-२६
“શુદ્ધ ચિત્તથી અને ભકિત ભાવથી આપેલું બધું હું સ્વિકારૂં છું,પછી ભલેને તે પાંદડું,પુષ્પ,ફળ કે કેવળ પાણી જ કેમ ન હોય” જયારે કોઇ પણ પાર્થિવ પદાર્થ પછી ભલે ને તે પાણીના મૂલ્યનો જ કેમ ન હોય, છતાં જો તેમાં સાચો ભકિતભાવ ભળે ત્યારે તે પણ અમૂલ્ય થઇ જાય છે.ગુરૂએ આપેલી અમૂલ્ય વિદ્યાનું ઋણ ચૂકવવા તો આવી અમૂલ્ય વસ્તુ જ હોવી જોઇએ ને ? સાચા ભકિતભાવથી ઋણ ચૂકવવાની આ રીત એટલે જ ગુરૂ દક્ષિણા. ગુરૂએ આપેલ વિદ્યાનો,જ્ઞાનનો સમાજમાં ફેલાવો કરી ગુરૂનું ધ્યેય પરિપૂર્ણ કરી ગુરૂની કીર્તિ વધારવી એ જ સાચી દક્ષિણા. રાજા અશોકે ભગવાન બુધ્ધ પાસે મેળવેલા જ્ઞાનનું ઋણ ચૂકવવા એમના આપેલા એ જ્ઞાનનો પ્રચાર કરી એમની કીર્તિ જે રીતે વધારી તે છે સાચી દક્ષિણા. શ્રી રામકૃષ્ણ પરમહંસનું નામ ઉજાળવા સ્વામી વિવેકાનંદે જે સમપ્રણ કર્યું તે છે સાચી દક્ષિણા.અહીં એક અતિ અગત્યની વાત વિચારવા યોગ્ય લાગે છે. ગુરૂનું ધ્યેય આગળ ધપાવવા અને તેમની કીર્તિ વધારવા મીશન, મઠ કે આશ્રમ ઉભા કરવાની જરૂર ખરી ?
આ પશ્નનો પત્યુત્તર છે -હા અને ના.
હા, એ દૃષ્ટિથી કે શિષ્ય પરંપરા ચાલુ રાખવા આવી સંસ્થાઓ ઉપયોગી થઇ પડે છે.આવા આશ્રમોમાંથી જ આવા મીશનોમાંથી જ પટૃ શિષ્યોની પરંપરા બહાર પડતી રહે છે,અને ગુરૂનું ધ્યેય આગળ ધપાવે રાખે છે. દરેક ગુરૂના મનમાં કોઇ ને કોઇ ધ્યેય હાંસલ કરવાનો મનસુબો હોય છે અને તેને પરિપૂર્ણ કરવા ગુરૂ પોતે કોઇ ચોકકસ શ્રમ ઉઠાવે છે. અને ગુરૂએ ચાલુ કરેલા આ-શ્રમને જારી રાખવા શિષ્યોને જે શ્રમ કરવો પડે તે જ સાચો આશ્રમ. જો શિષ્ય આમ કરવાનું ચૂકે તો આ શરમની વાત થઇ આશ્રમની નહીં.
અને ના એ દૃષ્ટિએ કે આવા આશ્રમો અને મીશનોની સ્થાપના કરવા અને તેની ઇમારતો ઉભી કરવામાં શિષ્યો એટલા વ્યસ્ત થઇ જાય છે કે ગુરૂનું અસલ ધ્યેય – મીશન – વિસારે પડી જાય છે.મીશન કહો આશ્રમ કહો મઠ કહો, જે કહો તે, પણ જો આવી વિવિધ સંસ્થાઓમાંથી ઉત્કૃષ્ટ શિષ્યોની પરંપરા જળવાઇ ના રહે, તો એ સંસ્થાનો અર્થ જ શું ? યેલ, હારવર્ડ અને એમ.આઇ.ટીની આબરૂ તેમાંથી બહાર આવતા વિધાર્થિઓ વધારે છે તેમની ઇમારતો નહી. જે સંસ્થાઓ ઉત્કૃષ્ટ શિષ્યોની પ્રણાલિ ચાલુ નથી રાખી શકતી તેની ઇમારતોનું ભાવિ મ્યુઝીયમ, હોટેલ કે સામાજીક હોલમાં પરિણમે તો તેમાં આશ્ચર્ય થાય ખરૂં ?
હ્વે અસલના જમાનાની અને આજની શિક્ષણ પધ્ધતિમાં, આજના ગુરૂઓમાં અને આજના શિષ્યોમાં કેવો ફેરફાર થયો છે તે જરા જોઇએ. ઉપનિષદ કાળમાં ગુરૂ અને શિષ્ય વચ્ચે ચિત્ત અને ચેતન વિશે વર્તાલાપ થતો, આજે તેમની વચ્ચે વિત્ત અને વેતનનો થાય છે. તે કાળમાં શિષ્ય ગુરૂને ઘેર રહી ભણતો આજે ગુરૂ શિષ્યને ઘેર ભણાવવા જાય છે. કદાચ એવા દિવસો પણ આવશે કે ગુરૂ શિષ્યને ત્યાંજ ધામા નાખશે. આજના ભારતના,અંગ્રેજી માધ્યમની રઢે ચઢેલા સમાજના શિક્ષકો, શિક્ષણ આપતા પહેલાં જ શિષ્ય પાસે વેતનની -કહેવાતી દક્ષિણાની લેખીત બાંહેદારી – પ્લેજ – લખાવીલે છે.અને બદલામાં શિષ્યો પણ પાસ થવાની બાંહેદારી – ગેરંટી -માંગતા હોય છે.મને તો લાગે છે કે આગળ ઉપર દર્શાવેલી ગીતાની વ્યાખ્યાનો અર્થ આજે બિલકુલ બદલાઇ ગયો છે.આજ કાલના લોકો એને આ પ્રમાણે વાંચતા હોય એવું લાગે છે.
रथं,वित्तं,धनं,भोग्यं,यो मे दुःखेनापि प्रयच्छति
प्रसन्न चित्तो अहं भूत्वा अश्नामि तद सर्वदा
આ શ્લોકમાં વ્યાકરણની ભૂલો શોધવાનો પ્રયત્ન નહીં કરવા વિનંતી છે.
અર્થ છે,
રથ એટલે કાર,ધન, વિત્ત કે ઉપભોગ કરવા લાયક કોઇ પણ વસ્તુ મને કોઇ પણ શિષ્ય દુઃખ ભોગવીને પણ આપે તે બધું જ હું પ્રસન્ન ચિત્તે સ્વિકારી લઉ છું.
જોયો કળીયુગનો પ્રભાવ ?

માર્ચ 2, 2007 at 10:03 પી એમ(pm) 1 comment

માણસાઇ

માણસાઇ

કોઇ કહે છે, હું છું હિન્દુ
તો કોઇ કહે છે હું છું ઇસાઇ,
છે મારો ધર્મ તારાથી સારો
કહી, કરે મન મહીં ખોટી વડાઇ.

ધર્મને નામે યુદ્ધ આદરે
શસ્ત્ર ધરી બને આતતાયી,
જો કરીયે તુલના તેઓની સાથે
તો લાગે સંત સમો કોઇ કસાઇ.

જુઓ ધર્મની આ વાડો મંાહે
મતિ જાયે કેવી ભરમાઇ,
સરળ વાત કેમ કોઇ ન સમજે
કે માનવનો ધર્મ તો છે માણસાઇ.

માર્ચ 1, 2007 at 9:46 પી એમ(pm) 2 comments

Older Posts Newer Posts


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

માર્ચ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Blog Stats

  • 35,287 hits